(સંવાદદાતા દ્વારા) વડિયા, તા. ર૪
વડિયા પોસ્ટઓફિસ સામે ગ્રામીણ ડાકસેવકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. વડિયામાં આવેલ પોસ્ટઓફિસ સામે વડિયા વિસ્તારના ડાક સેવકોએ પગાર વધારાની માગણી કરી છે. આ હડતાળમાં નંદલાલભાઈ બોરીસાગર, નિલેશભાઈ પંડ્યા, હરેશભાઈ જોસી, બાધુપરી ગોંસાઈ, રમેશભાઈ ગોંસાઈ વગેરે ડાકસેવકો જોડાયા છે. આ હડતાળ કરવાના કારણોમાં ડાકસેવકોએ જણાવ્યું હતું કે મોટા-મોટા શહેરોમાં કાયમી પોસ્ટમેનોને પ૦થી ૬૦ હજાર જેટલો પગાર ચૂકવાઈ રહ્યો છે જ્યારે ગ્રામીણ ડાકસેવકો કાળા તડકામાં ગામડે-ગામડે જઈ ટપાલ વિતરણનું કામ કરે છે. છતાં રૂા. ૧૦થી ૧ર હજાર જેટલો જ પગાર ચૂકવવામાં આવે છેે. જેથી ગ્રામીણ ડાકસેવકોમાં નારાજગી ઊભી થઈ છે. સરકાર દ્વારા ગ્રામીણ ડાકસેવકોને ૧૭ મહિના જેટલી લાંબી મુદ્દત આપવા છતાં આજદિન સુધીમાં તેની અમલવારી કરવામાં આવી નથી. જેથી ગ્રામીણ ડાકસેવકો રોષે ભરાયા છે અને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.ર૦૧પથી કમલેશ ચંદ્ર કમિટીએ અહેવાલ આપેલ હોવા છતાં અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ હુકમ થયો હોવા છતાં સરકાર દ્વારા પડતર માગણીઓ સ્વીકારવામાં નહીં આવતા. વડિયા કુંકાવાવ તાલુકાના ગ્રામીણ ડાકસેવકો વડિયા અને કુકાવાવની પોસ્ટઓફિસ સામે હડતાળ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી સરકાર દ્વારા પડતર માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય ડાકસેવકો દ્વારા લેવામાં આવ્યો છે.