(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૦
શહેરનાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારનાં લોકોને છ માસ સુધી પ્રદૂષિત પાણી મળતા આ અંગે જવાબદાર ગણી પાણી પુરવઠા વિભાગનાં બે કાર્યપાલક ઇજનેર અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે અધિકારીઓનું સસ્પેન્સન રદ્દ કરીને ફરી નોકરી પર રાખવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લગભગ છ માસ સુધી નાગરીકોને દૂષિત પાણી મળતું હતું. જેના પગલે વિસ્તારમાં રોગચાળો અને લોકોને હાલાકી થતા હોબાળો મચી ગયો હતો. આ સાથે નિમેટા ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઇનાં અભાવે લોકોને દૂષિત પાણી મળતું હોવાનો બહાર આવતા આ બાબતને ગંભીરતાથી લઇ તત્કાલીન મ્યુનિ.કમિશ્નર અજય ભાદુએ પાણી પુરવઠા વિભાગ નાં કાર્યપાલક ઇજનેર અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નોકરી કરતાં બે કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હાલમાં શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન ખાસ કરીને પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં હજુ યથાવત છે. ત્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા બંને કાર્યપાલક ઇજનેરો અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણનું સસ્પેન્સન રદ્દ કરી તેઓને ફરી નોકરી પર રાખવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાતા ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં કોર્પોરેશનનાં અધિકારીઓ આવા બેદરકાર અધિકારીઓને છાવરી રહ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.