(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૦
ગુજરાતના જુદા જુદા ભાગોમાં ડેંગ્યુનો આતંક જારી રહ્યો છે. આના ભાગરુપે વડોદરા શહેરમાં ડેન્ગ્યુની બીમારીથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ છેલ્લા પાંચ દિવસમાં ૭ લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટતાં ભારે ચકચાર મચી ગઇ છે. સ્થાનિક લોકોમાં ડેન્ગ્યુને લઇ હવે ફફડાટ ફેલાયો છે. બીજી બાજુ વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ ડેંગ્યુએ જોરદાર આતંક મચાવી દીધો છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રોગચાળાને રોકવા લેવામાં આવી રહેલા પગલા હજુ સુધી પુરતા પ્રમાણમાં સફળ સાબિત થઇ રહ્યા નથી. વડોદરા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે તેમ છતાં આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કહેરને ડામવામાં સદંતર નિષ્ફળ નીવડ્‌યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડોદરામાં ૯૧૯ ડેન્ગ્યુ પોઝીટીવ કેસો નોંધાયા છે, જેને લઇ હવે વડોદરામાં ડેન્ગ્યુનો હાહાકાર વર્તાઇ રહ્યો છે. વડોદરા નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતા મહેન્દ્ર લાલુભાઇ મીના(ઉ.વ.૨૫)ને ગત તા.૧૪ નવેમ્બરે તાવ આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ડેન્ગ્યુની બીમારીથી મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત છાણીની ખાનગી હોસ્પિટલમાં અટલાદરા વિસ્તારની ૨૩ વર્ષીય મહિલાનું ડેન્ગ્યુને કારણે મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુની બિમારી બેકાબુ બની રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઓક્ટોબર મહિનામાં ૧૦૩૯ શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી ૩૯૮ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ૮૨૨ શંકાસ્પદ કેસો આવ્યા છે. જેમાંથી ૨૮૦ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં ૪૭૫૦ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી ૯૧૯ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા છે. જેને લઇ વડોદરા અને તેની આસપાસના પંથકોમાં ડેન્ગ્યુના હાહાકારથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક આરોગ્ય તંત્રની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે અને તે મચ્છરોનો ઉપદ્રવ નિવારણ અને પાણીજન્ય રોગચાળાને ડામવા બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે પરંતુ તેમછતાં ધારી સફળતા મળતી નહી હોવાથી લોકોમાં તંત્ર પરત્વે હવે જાણે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.