(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેર નજીક ખટંબા ગામ પાસે પગ રીક્ષા ચાલકનું કારની અડફેટે મોત નિપજ્યું હતું. અન્ય બનાવમાં બાઇક ચાલકે અડફેટમાં લેતા ૧૬ વર્ષનાં કિશોરનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વાઘોડિયા સ્થિત નવી નગરીમાં રહેતા રાવજીભાઇ વાદી (ઉ.વ.૫૫) પગ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે આજે ખટંબા ગામ પાસે પુરપાટ ઝડપે જઇ રહેલી કારનાં ચાલકે પગ રીક્ષાને અડફેટમાં લીધી હતી. જેને પગલે રાવજીભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે ગભરાઇ ગયેલ કાર ચાલક કાર સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ વરણામા પોલીસને થતા પોલીસે ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. કાર ચાલક પારૂલ ઇન્સ્ટીટયુટનો વિદ્યાર્થી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
બીજા બનાવમાં દશરથ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર આઇ.ટી.આઇ. નજીકથી બાજવા ખાતે રહેતો અશોક બાબુભાઇ પઢીયાર (ઉ.વ.૧૬, રહે. સૌરાષ્ટ્ર સોસાયટી, બાજવા રેલ્વે સ્ટેશન પાસે) આજે બપોરનાં સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે વખતે પુરપાટ ઝડપે જઇ રહેલ સ્પોર્ટસ બાઇકનાં ચાલકે અશોકને અડફેટમાં લીધો હતો. હવામાં ફંગોળાઇ રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવાનોને પણ ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.