(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
છેલ્લાં ૨૪ કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી ૨૧૨.૪૦ ફૂટે પહોંચી જતાં ઓવરફલો થવાની શરૂઆત થઇ હતી. આજવા ડેમની સપાટીમાં વધારો થતા જિલ્લા તંત્ર એલર્ટ થઇ ગયું હતું. આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી ૧૦.૫ ફૂટ છે. જ્યારે મોડીરાત સુધી વધીને ૧૮ થી ૨૦ ફૂટ થવાની શકયતા છે. તંત્ર દ્વારા નદી-કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
છેલ્લાં ૨૪ કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેર ચાલુ રહેતા આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તાર અને તેના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે આજવા સરોવરની સપાટી ઝડપભેર વધી રહી છે. સવારે ૮ કલાકે આજવા સરોવરની સપાટી ૨૧૧.૮૦ ફૂટ નોંધાઇ હતી. જો કે, બપોરે સુધીમાં આજવા સરોવરની સપાટી ૨૧૨.૪૦ ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ થઇ ગયું હતું. જેનાં પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવાની શરૂઆત કરાતા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી હાલ ૧૦.૫ ફૂટે વહી રહી છે. જ્યારે મોડીરાત સુધી વિશ્વામિત્રીની સપાટી ૧૮થી ૨૦ ફુટે પહોંચી તેવી શકયતા છે. વહીવટી તંત્ર દ્વારા નદી-કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. જેના પગલે સંભવતઃ પૂર આવે તેવી શકયતાઓ ઊભી થતા નદી-કિનારે રહેતા લોકો અને સોસાયટીઓના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. રહીશોએ પોતાનો જરૂરી સામાન સાવચેતીનાં ભાગરૂપે સ્થાળાંતર કરવાની શરૂઆત કરી દીધી છે.
વડોદરા શહેરમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો
ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો-પ્રેશરને પગલે શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૨ ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨ દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતાઓ છે. વડોદરા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડભોઇમાં ૪૨.૨ મી.લી. વરસ્યો હતો.

વાઘોડિયાના વ્યારા ગામ પાસે કોઝ-વેમાં કાર તણાઈ : શોધખોળ જારી

છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન વાઘોડિયા તાલુકામાં ૨ ઇંચ વરસેલા વરસાદને પગલે નાળા તથા કોતરો છલકાઇ ગયા હતા. વાઘોડિયા નજીકના વ્યારા ગામ પાસે આવેલા કોઝ-વેમાં એક કાર તણાઇ ગઇ હતી. આ કારમાં ૩થી ૪ વ્યકિતઓ હોવાનો અનુમાન છે. કાર તણાઇ ગયા પછી બે કલાક જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી શરૂ કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેવટે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.
વડોદરા શહેર-જિલ્લામાં વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર થઇ ગયું છે. જ્યારે ગત મોડીરાતથી બપોર સુધીમાં વાઘોડિયા તાલુકામાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના પગલે ઠેર-ઠેર પાણી અને નાળા ભરાઇ ગયા હતા. દરમ્યાન વ્યારા ગામ પાસેના કોઝ-વેમાં ત્યાંથી પસાર થઇ રહેલી એક કાર તણાઇ ગઇ હોવાના સમાચાર વહેતા થતા મોટી સંખ્યામાં લોકો કોઝ-વે ખાતે પહોંચી ગયા હતા. જો કે, કોઝ-વેમાં પાણીનો પ્રવાહ વધુ હોય ગ્રામજનોએ તણાઇ ગયેલી કારને બહાર કાઢવાની હિંમત કરી ન હતી.
આ અંગે સ્થાનિક રહીશોએ તાલુકા તંત્ર અને વાઘોડિયા પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યારે ૨ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ બચાવ કામગીરી માટે ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. છેવટે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તણાઇ ગયેલી કારને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કારમાં ૩થી ૪ વ્યકિતઓ સવાર હોવાનું અનુમાન છે.