વડોદરા, તા.રપ
વડોદરા શહેરના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે ડ્રામા આર્ટીસ્ટ પ્રાચી મોર્ય (રપ)ની પૂર્વ પ્રેમએ ગળુ દબાવીને હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે પ્રાચીના પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન સિકંદર મલેકની ધરપકડ કરી દીધી છે અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં પ્રાચી અને વસીમ બંને ર૦૧પથી ઈસી ડિપ્લોમાનો અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સતત ૪ વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ રહ્યો હતો. જો કે બે મહિના પહેલાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને વડોદરાના અલકાપુરામાં આવેલા એપ્લોસ સ્ટુડિયોઝમાં જોબ શરૂ કરી હતી. જ્યાં અંકિત નામના યુવાન સાથે પ્રાચીને પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રાચી રાત્રે બે વાગ્યા સુધી ઓનલાઈન રહેતી હોવાની વસીમને શંકા ગઈ હતી કે, પ્રાચી બીજા યુવક સાથે પ્રેમમાં પડી છે.
આ દરમિયાન એપ્લોસ સ્ટુડિયોઝમાંથી ર૦ લોકોનું ગ્રુપ બુધવારે ખંભાત ખાતે ડ્રામા પ્રોગ્રામ માટે ગયું હતું અને રાત્રે ૧ વાગે ર૦ લોકોનું ગ્રુપ અલકાપુરી ખાતે ઉતર્યું હતું. જ્યાંથી અંકિત પ્રાચીને મૂકવા માટે ગયો હતો. વસીમ બંનેનો પીછો કરી કરતો-કરતો ત્યાં પહોંચી ગયો હતો. યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસે પ્રાચીએ અંકિતને કહ્યું હતું કે, તું નીકળી જા હું ઘરે જતી રહીશ. આ અમારી અંગત મેટર છે, અમે પતાવી દઈશું. જેથી અંકિત ત્યાંથી નીકળી ગયો હતો. અંકિતના ગયા પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી પ્રાચીએ વસીમને બેથી ત્રણ લાફા મારી દીધા હતા. વસીમે પ્રાચીનું ગળું દબાવી દીધું હતું અને ત્યાંથી નીકળી ગયો હતો. જો કે, થોડીવાર પછી ફરીથી પાછો આવ્યો હતો. વસીમે ૩ વખત પ્રાચીનું ગળું દબાવ્યું હતું અને છેલ્લે ગડદા પાટું મારીને ઓઢળી વડે ગળુ દબાવીને પ્રાચીની હત્યા કરી નાંખી હતી અને ત્યાંથી ભાગીને ગોરવા સ્થિત પોતાના ઘરે પહોંચી ગયો હતો. વસીમ ઘરેથી કોલેજ જવાનું કહીને બેગ લઈને નીકળી ગયો હતો અને ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે જ પોલીસે તેને વડોદરા રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો પોલીસે હવે વસીમની પૂછપરછ હાથ ધરી છે.
વસીમ ઉર્ફે અરહાન સિકંદર મલેક વડોદરાના કરોડિયા રોડ પર આવેલી ફાતિમા રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે છે અને તે મૂળ ડભોઈ પાસેના વોરા ગામડીનો રહેવાસી છે. તે ભરૂચની જીઈસી કોલેજમાં ઈલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશનના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. તેના પિતા સીઆઈએસએફના નિવૃત્ત પીએસઆઈ છે. જે.પી. પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમોએ નેત્રંગ અને કચ્છ સુધી તપાસ કરી હતી અને પ્રાચીની સાથે કામ કરતા ર૦ લોકોની પૂછપરછ કરી હતી.