(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરામાં ગઇકાલ રાતથી પડી રહેલા એકધારા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સીટી વિસ્તાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં હંમેશાની જેમ ઘુંટણ સમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશયી થવાના બનાવો અને વાહનો ખોટકાયા બનાવો બન્યા છે.
સ્માર્ટ સીટી વડોદરા શહેરના પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુનની કામગીરીને કારણે શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. વડોદરામાં છેલ્લાં ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલ રાતથી શહેરમાં એકધારા વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્યમાર્ગો જળમગ્ન થયા છે. વડોદરા શહેરમાં ગઇકાલે રાતથી એકધારા વરસી રહેલા વરસાદને કારણે શહેરીજનોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે.વડોદરામાં સવારે ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા ભાણી ભરાયા હતાં. શહેરમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા મુખ્યમાર્ગો પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. તદપરાંત અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. જેમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
શહેરના હાર્દ સમા વિસ્તાર સયાજીગંજમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતાં ગરનાળામાં પણ પાણી ભરાતા વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. ગરનાળામાં કમર સુધી પાણી ભરાયા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં જળભરાવને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.વડોદરામાં વરસી રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રીની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. સવારથી વરસતા વરસાદને પગલે શાળાઓમાં પણ બાળકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.