(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૮
મહાનગરપાલિકાના સત્તાધિશોએ કલ્યાણનગરના અસરગ્રસ્તો સાથે થયેલ સમજૂતિમાંથી ફરી જઈ મુસ્લિમ અસરગ્રસ્તોને કલ્યાણનગરમાંથી દૂર કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો વિરોધ કરી અસરગ્રસ્તોએ ડો.જે.એસ.બંદુકવાલાની આગેવાનીમાં વિશાળ મોરચા સાથે મહાનગરપાલિકાના સંકુલમાં એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર કરી અસરગ્રસ્તોને કલ્યાણનગરમાં જ આવાસો ફાળવી આપવા અને બંધ કરેલ મકાન ભાડુ તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરી હતી. કલ્યાણનગર પુર્નવાસ સમિતિના નેજા હેઠળ એકત્ર થયેલા અસરગ્રસ્તોએ મ્યુ. કમિશનરને પાઠવેલ આવેદનપત્રમાં માંગણી કરી હતી કે, કલ્યાણનગરના ૨૫૦૦ કુટુંબો પૈકી વ.મ્યુ.કોર્પોરેશન સાથે થયેલ સમજૂતી મુજબ બાકી રહી ગયેલા ૬૧૮ કુટુંબોને ક્લ્યાણનગરમાં જ મકાનોની ફાળવણી કરવાનું તથા ફાળવણી ન થાય ત્યાં સુધી માસિક રૂપિયા ૩ હજાર મુજબ ભાડુ ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે તે મુજબ મે-૨૦૧૭ સુધી ભાડુ ચૂકવાયું છે પરંતુ અચાનક જૂન ૨૦૧૭થી માસિક ભાડાની ચૂકવણી બંધ કરવામાં આવી છે તેને વહેલી તકે ચાલુ કરવામાં આવે. કલ્યાણનગર સાઈટ ઉપર મકાનોનું બાંધકામ ચાલુ હતું. જેને આપના હુકમથી મકાનોનું બાંધકામ બંધ કરીને આ અસરગ્રસ્તોને કલ્યાણનગર છોડીને તાંદલજામાં જ્યાં મુસ્લિમો વસે છે ત્યાં જ મકાનો લઈ લેવા માટે દબાણ કરવામાં આવેલ છે જે સત્તાધીશો સાથે થયેલ સમજૂતીનો ભંગ કરે છે તેનું કારણ એ બતાવવામાં આવે છે કે, બાંધકામ ખર્ચ વધી ગયેલ છે. પરંતુ પહેલાં આપના તરફથી સીઈપીટીને કન્સલટન્સી અપાઈ હતી. જેના અંદાજ મુજબ કામગીરી કરવાનું ઠરાવાયું પરંતુ તે એજન્સીએ કામ છોડી દેતા વાપકોસ નામની એજન્સીએ કામગીરી સોપાઈ જેનો આ મકાનોનો બાંધકામ ખર્ચ વધવાનો જેણે ડીપીઆરમાં રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ બાંધકામ શરૂ કરાવ્યું એટલે કે આપને પહેલાંથી ખબર હતી કે, બાંધકામનો ખર્ચ વધવાનો છે પણ અત્યાર સુધી શાંત રહી હવે તેને બહાનું બનાવીને આ મુસ્લિમ લાભાર્થીઓને તાંદલજા જવાનું કહેવામાં આવે છે જેથી ચોક્કસ થાય છે કે, મુસ્લિમોને આ વિસ્તારથી દૂર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે અને મુસ્લિમો ફક્ત મુસ્લિમ વિસ્તારમાં જ વસી શકે તેવી માનસિકતા ઊભી કરાઈ રહી છે. આ મુસ્લિમ અસરગ્રસ્તોને મુસ્લિમ વિસ્તારમાં ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે ન્યાયિક રીતે સુસંગત નથી માટે બંધ કરાયેલ માસિક ભાડુ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેમજ કલ્યાણનગર સાઈટ ઉપર બંધ કરાયેલ બાંધકામ તુરંત ચાલુ કરાવીને આ અસરગ્રસ્તોને વહેલી તકે મકાનોની ફાળવણી કરવામાં આવે એવી માંગણી ડો.જે.એસ.બંદુકવાલા, શૌકત ઈન્દોરી, મ્યુ.કોર્પોરેટર ફરીદ કટપીસવાલા, અઝીઝ ડાંગીવાલા, મુનીર ખેરૂવાલા, ઈબ્રાહીમ સાઈકલવાલા, ઈકબાલખાન પઠાણ, મુનાફ ગરીબાવાલા, આરીફખાન, સાદીક કાજલવાલા, રિયાઝ શેખ વગેરેએ કરી હતી.
Recent Comments