(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ને.હા.નં.પ૩ ઉપર ટ્રક ડ્રાઇવર ટ્રકની હેન્ડબ્રેક મારવાનું ભૂલી જઇ ચા-નાસ્તો કરવા માટે જતાં, વગર ડ્રાઇવરે ચાલતી ટ્રકે એક મોપેડને કચડી પસાર થઇ રહેલી એસટી બસને પણ અડફેટમાં લેતા ૧૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા ને.હા.નં.પ૩ ઉપર હરિયાણા પાસિંગની (એચ.આર.-૫૫ આર.-૬૨૮૭) નંબરની ટ્રક સોનગઢ હાઈ વે-પર આજરોજ બપોરના સુમારે પાર્ક કરીને ડ્રાઈવર ચા-નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન ટ્રક ચાલવા લાગી હતી. ટ્રકે સૌ પ્રથમ (જી.જે.-૨૬ એચ.-૯૧૧૨) નંબરની મોપેડને કચડીને આગળ વધી જેમાં ચાલતી બસને અડફેટે લીધી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. લોકોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરે હેન્ડ બ્રેક ન લગાવી હોવાથી ટ્રક દોડવા લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ટ્રક આગળની સાઈડથી બસની બરાબર ડાબી કન્ડકર સાઈડ પર વચ્ચે ટકરાયું હતું. જેથી બસનો કડૂસલો વળી ગયો હતો.