(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે શંકરસિંહ વાઘેલાને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા નથી અને એમની સામે કોઈપણ પ્રકારના શિસ્તભંગના પગલા પણ લેવાયા ન હતા. આજે વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે, જો એ પાછા આવવા ઈચ્છા ધરાવશે તો અમે એમને આવકારીશું. એમણે ઘણી મોટી જવાબદારીઓ ભૂતકાળમાં સંભાળી હતી. એ સાથે સ્પષ્ટતા કરી કે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાઓથી પક્ષ વધુ મહત્ત્વનો છે. વાઘેલાએ રાજીનામું આપતી વેળાએ જણાવ્યું હતું કે મને ર૪ કલાક પહેલાં જ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે એ ભાજપ સાથે જોડાશે નહીં અથવા નવો પક્ષ રચશે નહીં. વાઘેલાના આ નિવેદનના લીધે કોંગ્રેસે ખુલાસો કરતો નિવેદન બહાર પાડયો હતો. પ્રવકતા સુરજેવાલાએ કહ્યું કે અમે વાઘેલાને માન સન્માન આપીએ છીએ અને આશા રાખીશું કે એ પક્ષ માટે કામ કરશે. વાઘેલાની ઈચ્છા હતી કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવે. પણ આ નિર્ણય મોવડી મંડળનો હતો. કોઈ વ્યક્તિગત નિર્ણય નહીં કરી શકાય. બધાએ સમજવું જોઈએ કે વ્યક્તિ કરતાં પક્ષ મહત્ત્વનો છે. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો બધા સત્તા મેળવવા પક્ષ સાથે જોડાયેલ નથી. પણ સિદ્ધાંતો અને વિચારધારાને કારણે જોડાયેલ છે. અમોએ વાઘેલાનું સન્માન કરી એમને પ્રદેશના અધ્યક્ષ પદે નિમણૂક કરી હતી. કેન્દ્રમાં મંત્રીપદ આપ્યું હતું. આઈટીડીસીના અધ્યક્ષ બનાવ્યા હતા અને હાલમાં ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા છે. એમની ઈચ્છા હતી કે આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે જે શકય ન હતું.