તાપી, તા. ૧૮
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે જેના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર જતા વાહનોના માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઘોડાપૂરને લઈને નદીઓ પરના પુલો, કૂવાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઇ જવાને કારણે વાહનો આગળ જઇ શકે તેમ નથી. નંદુરબાર જિલ્લા કલેકટર સાથે નગર પાલિકા અને પોલીસ સ્ટાફે પહોંચીને વાહનોને અન્ય રસ્તાઓ તરફ જવા માટે સુચના આપી છે.
માર્ગ પર પાણી ભરાવવાના કારણે સાવચેતીના ભાગરૂપે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતા તમામ વાહનોને અન્ય માર્ગ પરથી પસાર થવા તંત્રએ જણાવ્યુ છે. સાક્રિ તાલુકાની પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસે સરપની નદીઓમાં પૂર આવ્યુ છે જેના કારણે સુરતથી ધૂળિયા અને નંદુરબાર તરફ જતી બસોના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નવાપુરથી ચારણમાળ થઈ ધૂળિયા તરફ પ્રવાસ કરવા વહીવટી તંત્રએ સુચના આપી છે.
નદીમાં પાણી વધી જતા નદીઓનું પાણી પુલ પરથી વહેવા લાગ્યું હતું તો નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. મધરાતે વધારે વરસાદ પાડવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.