(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૧
આણંદ શહેરમાં આજે પશ્ચિમ રેલ્વેમાં ટ્રેનની બે અકસ્માતની ધટનાઓ સર્જાવા પામી હતી જેમાં આણંદ શહેરમાં ગણેસ ચોકડી નજીક ખંભાતથી આણંદ રેલ્વે સ્ટેશન તરફ જઈ રહેલી ડેમું ટ્રેનની એર પાઈપ તુટી જતા ટ્રેન ગણેશ ફાટક પાસે બંધ પડી જતા ફાટકની બન્ને તરફ ટ્રાફિક જામ થઈ જતા વાહનોની કતારો જામી ગઈ હતી,જયારે બીજી ધટનામાં આણંદ રેલ્વે સ્ટેશનનાં લોકોસેડમાંથી નડીયાદ તરફ જઈ રહેલું એન્જીન પાટા પરથી ખડી પડયું હતું,જેને લઈને વડોદરાની ટીમએ દોડી આવી એન્જીનને પાછુ પાટા પર ચઢાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર પ્રથમ બનાવમાં ખંભાત આણંદ ડેમું ટ્રેન આજે સાંજનાં સુમારે આણંદની ગણેશ ચોકડી નજીક આવેલી રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડેમું ટ્રેનની એર પાઈપ તુટી જતા ટ્રેન બંધ પડી ગઈ હતી અને રેલ્વે ફાટકની વચ્ચો વચ્ચ ટ્રેન બંધ પડી જતા ફાટકની બન્ને તરફ વાહનોની કતારો જામી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો,આ ધટનાને લઈને રેલ્વેની મીકેનીકલ ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને એર પાઈપ બદલ્યા બાદ ટ્રેન ચાલું થઈ હતી અને એક કલાક બાદ ફાટક ખુલતા ટ્રાફિક યથાવત થયો હતો.
જયારે બીજી ધટનામાં આણંદ રેલ્વે સ્ટેશનનાં લોકોસેડમાંથી એક એન્જીન નડીયાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે લોકોસેડથી માંડ ૧૦૦ મીટરનાં અંતરે લોકોસેડનાં ટ્રેક પર એન્જીનનું પૈડુ ખડી પડયું હતું,આ ધટનાને લઈને રેલ્વેનાં વડોદરાની આકસ્મિક રેસ્કયુ ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને હાઈડ્રોલીક જેકથી એન્જીનને ઉંચું કરી એક કલાકની ભારે ઝહેમત બાદ એન્જીનનાં પૈડાને ટ્રેક પર પરત ગોઠવવામાં સફળતા મળી હતી.