અમદાવાદ, તા.૧
છેલ્લા દોઢ મહિનાથી પડી રહેલી આગ ઓકતી ગરમીમાંથી હવે થોડા જ દિવસોમાં રાહત મળે તેવી પૂરી સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસ સત્તાવાર રીતે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ શકે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં નૈઋત્યના ચોમાસું પવનોએ ધરતીને ભીંજવવાની શરૂઆત કરી છે. ચોમાસાના છડીદાર કેરળ બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક સુધી પહોંચી ગયું છે. બુધવારે મોડી રાત્રે કોંકણ કાંઠે અને રત્નાગીરીમાં મેઘમહેર થઇ હતી. અરબી સમુદ્રમાં ૧૨ કિલોમીટર દૂર હજુ પણ લો પ્રેશર સિસ્ટમ કાર્યરત છે અને તેના કારણે ગુજરાતમાં પણ અપેક્ષા કરતા વહેલા મેઘરાજાનું આગમન થઇ શકે છે તેમ હવામાનશાસ્ત્રીઓનું માનવું છે. છેલ્લા કેટલાક વર્ષના ચોમાસાનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે, ૧૫ જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થતું હોય છે. જો કે, વરસાદનું પ્રભુત્વ જુલાઇમાં વધારે જોવા મળે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, કચ્છમાં સુક્કું વાતાવરણ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૧૦ જૂનની આસપાસ વરસાદનું આગમન થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ-લિંબડી હાઇવે પર ધીમી ધારે છાંટાં પણ પડ્યા હતા.