(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને પ્રશ્ન કર્યો હતો કે વ્યાજબી કારણો હોવાના લીધે જે લોકો પ૦૦-૧૦૦૦ની જૂની નોટો બેંકોમાં જમા નથી કરાવી શક્યા એમને એક તક આપવી જોઈએ. આ વાતનો જવાબ આપવા માટે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમકોર્ટે આ વાત ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સખ્ત શબ્દોમાં કરી હતી. કોર્ટે કહ્યું કે તમે મહેનતથી કમાયેલ પૈસાને આ રીતે બરબાદ નહીં કરી શકો. તમોએ લોકોને એક તક આપવાની વાત કરી હતી જે લોકોને ખરેખર નોટો જમા કરાવવામાં મુશ્કેલી થઈ હતી અને નોટો જમા કરાવી શકયા ન હતા એમને જૂની નોટો જમા કરવા એક તક આપો. આ પહેલાં કોર્ટે એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે, આ મામલાની સુનાવણી વેકેશન પછી હાથ ધરાશે. જજ જે.એસ.ખેહર અને જજ ચંદ્રચુડ અને જજ કૌલની બેંચે કહ્યું હતું. કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરી ખાનગી ફર્મો અને એનઆરઆઈની અરજીઓનો જવાબ આપ્યો હતો. એનઆરઆઈઓએ વધુ સમયની માગણી કરી હતી. બેંચે કહ્યું કે, ઘણા વ્યક્તિઓને જુદા-જુદા કારણો હોઈ શકે. કોઈ વ્યક્તિના પૈસા ખોવાઈ ગયા હોય, કોઈ વ્યક્તિ જેલમાં હોય, કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય, અમે એ જાણવા માંગીએ છીએ તમોએ આ પ્રકારની વ્યક્તિઓ ઉપર પ્રતિબંધ કેમ મૂક્યો હતો. એ પછી સોલિસિટરે કહ્યું કે પ્રત્યેક મામલાને જુદી જુદી રીતે તપાસવામાં આવશે અને એના માટે સરકાર સાથે ચર્ચા કરી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરીશું. બેંચ જૂની નોટો જમા કરવા માટેની સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરી રહી હતી. અરજદારોએ પોતાના વ્યાજબી કારણો પુરાવાઓ સાથે રજૂ કર્યા હતા અને જૂની નોટો જમા કરાવવા પરવાનગી માંગી હતી જેથી કોર્ટ સરકારને આદેશ કરે અને એમની નોટો સ્વીકારે. ગયા વર્ષે ૮મી નવેમ્બરે નોટબંધી જાહેર કરતી વખતે સરકારે બધાને આશ્વાસન આપ્યું હતું કે એમને નોટો બદલવાની તક આપવામાં આવશે. પહેલાં ૩૦મી ડિસેમ્બરની છેલ્લી તારીખ જાહેર કરાઈ હતી અને વિદેશ ગયેલ નાગરિકો અને એનઆરઆઈઓ માટે ૩૧ માર્ચની તારીખે જાહેર કરાઈ હતી. એ પછી સરકારે એનઆઈઆરઓને ૩૧મી જુલાઈ સુધી મુદ્દત આપી છે અને એ સાથે બેંકોને ર૦મી જુલાઈ સુધી નોટો રિઝર્વ બેંકમાં જમા કરવા મંજૂરી અપાઈ છે.