પાટણ, તા. ર૩
પાટણ સરસ્તી નદીના પુલ ઉપર આજથી ર૦ દિવસ અગાઉ એક વકીલને માર મારી લૂંટી લેવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં વકીલ ઉપર હુમલો કરનાર ત્રણ ઈસમોને રિક્ષા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ વાગડોદના વતની અને પાટણ જિલ્લા કોર્ટમાં વકીલનો વ્યવસાય કરતા સુમરા જબ્બારભાઈ રહેમાનભાઈ ગત તારીખ બીજી મેના રોજ પોતાનું બાઈક લઈ વાગડોદથી પાટણ તરફ આવી રહ્યા હતા તે સમયે સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવી વકીલના બાઈકને આંતરી તેઓને મારમારી રૂા. પ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ત્રણેય ઈસમો રિક્ષામાં નાસી છૂટ્યા હતા. જે અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે આ ગુનાની તપાસ કરતા ડી-સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે શહેરના ખાલકસાપીર વિસ્તારમાં એક હુડ વરગની રિક્ષા પસાર થતા પોલીસે શંકાના આધારે તેને ઊભી રાખી તેમાં બેઠેલા તલસીજી ઠાકોર, મીતલ ઠાકોર તેમજ રણજીત ઠાકોર તમામ રહે. સૂર્યનગરવાળાની સઘન પૂછતાછ કરતા આ ત્રણેય ઈસમોએ સરસ્વતી નદીના પુલ ઉપર વકીલ પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.