(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરા વકીલ મંડળનાં પ્રમુખ તેમજ મહિલા વકીલ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાનાં વિરોધમાં વડોદરા વકીલો આજે બીજા દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. વડોદરા જિલ્લા પોલીસ વડાનું પૂતળું બાળી પ્રતિક ઉપવાસ કર્યા હતા.વડોદરા વકીલ મંડળનાં પ્રમુખ હસમુખ ભટ્ટ અને એડવોકેટ હેમાબેન સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો. જેને પગલે બે દિવસથી વડોદરા કોર્ટનાં વકીલો હડતાળ પર ઉતર્યા છે. નવા કોર્ટ સંકુલમાં ઉદ્‌ઘાટન બાદ બેઠક વ્યવસ્થા બાબતે એક વર્ષ અગાઉ વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલ મંડળે આ દિવસને બ્લેક-ડે તરીકે મનાવવાનો અને એક દિવસનાં પ્રતિક ઉપવાસ કરવાનો ઠરાવ વકીલ મંડળને સોમવારે પ્રસાર કર્યો હતો. જેને પગલે આજે વકીલોએ બીજા દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કોર્ટ પરીષદની બહાર પ્રતિક ઉપવાસ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.