(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૬
પાદરાની મધર્સ સ્કુલમાં ધો.૮માં અભ્યાસ કરતાં ૭ વિદ્યાર્થીઓને સોમવારે શિક્ષકે નજીવી બાબતમાં ફુટપટ્ટીથી ફટકારતા વાલીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. આજે શાળાએ ધસી આવેલા વાલીઓએ શિક્ષક સામે કડક પગલા ભરવાની માંગણી સાથે ભારે હોબાળો મચાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પાદરા ખાતે આવેલી મધર્સ સ્કુલમાં સોમવારે ધો.૮ના વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓ જોરજોરથી વાતો કરતાં હોઇ શિક્ષક પ્રદિપભાઇએ ફુટપટ્ટી લઇ ૭ જેટલા વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. જેના પગલે વિદ્યાર્થીઓને હાથ પર સોળ પડી ગયા હતા. આ અંગે વિદ્યાર્થીઓએ ઘરે જઇ વાલીઓને જાણ કરતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આજરોજ રોષે ભરાયેલા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને કોઇ યોગ્ય કારણ વગર સંતાનોને માર મારનાર શિક્ષક સામે રોષ ઠાલવી ભારે હોબાળો મચાવી મુક્યો હતો. વાલીઓએ શિક્ષક સામે કડક પગલા લઇ તાત્કાલીક શિક્ષક પ્રદિપભાઇને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. વાલીઓની રજૂઆતને પગલે શાળા સંચાલકો દ્વારા કલાસ રૂમનાં સીસીટીવી ફુટેજ તપાસ કરતાં શિક્ષક વિદ્યાર્થીઓને ફુટપટ્ટીથી મારતા નજરે પડ્યા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ પણ મધર્સ સ્કુલ ખાતે દોડી આવી હતી અને શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાદરાની સ્કૂલમાં શિક્ષકે ૭ વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકારતા વાલીઓનો હોબાળો

Recent Comments