(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦
વડોદરામાં અમિતનગર પાસે આવેલી બ્રાઇટ સ્કુલે આરટીઆઇ અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોનાં પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ નહીં કર્યા હોવાથી વાલીઓએ આજે સ્કુલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. આ અંગેની રજૂઆત અર્થે વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા.
આરટીઆઇ અંતર્ગત પ્રવેશ મેળવેલા બાળકોનાં પ્રમાણપત્રો વેબસાઇટ અપલોડ નહીં થયા હોવાનાં આક્ષેપ થયા છે. વડોદરાનાં અમિતનગર વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કુલમાં આજે સવારે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓનાં જણાવ્યા અનુસાર ગત ૨૬મી તારીખ સુધી ડી.ઇ.ઓ. કચેરી દ્વારા તેઓને સંબંધીત શાળામાં આરટીઆઇ અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોનાં પ્રમાણપત્રો આપવાના હતા જે વાલીઓએ આપી દીધા છે. અને આ પ્રમાણપત્રો શાળાએ ૩૦મી તારીખ સુધી ઓનલાઇન અપલોડ કરવાના હતા. જો કે ગઇકાલે વાલીઓને બ્રાઇટ સ્કુલ દ્વારા બાળકોનાં પ્રમાણપત્રો અપલોડ નહીં કરવામાં આવ્યા હોવાનાં મોબાઇલ પર મેસેજ આવતા વાલીઓ મુંઝવણમાં મુકાયા હતા. જેના પગલે આજે સવારે વાલીઓ બ્રાઇટ સ્કુલ ખાતે પહોંચી શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી. જો આજે બાળકોનાં પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ નહીં થાય તો બાળકોને પ્રવેશ નહીં મળે તેવી મુંઝવણ સાથે વાલીઓ આ અંગેની રજૂઆત કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા.