(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૩૦
વલસાડ તાલુકાના નંદીગ્રામ ખાતે આવેલા કાજલ ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે ૪૨ જેટલા લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામની અટકાયત કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જો કે, આ લોકોમાં કેટલાક નિર્દોષોએ પણ જેલમાં જવાનો વારો આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ પોલીસને મળેલી બાતમીના પગલે પોલીસે નંદીગ્રામ ખાતે આવેલા રણછોડ લક્ષ્મણભાઇ આહીરના કાજલ ફાર્મમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે મોટી સંખ્યામાં ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે ત્યાં દારૂની મહેફિલ માણતાં ૪૨ લોકોને પકડી પાડ્યા હતા. જેમાં વલસાડના માજી નગરપાલિકા પ્રમુખ અને હાલના સભ્ય રાજુ મરચાં પણ પકડાતા ભારે ચર્ચા ચાલી હતી. કાજલ ફાર્મમાં યોજાયેલી આ પાર્ટી ચિખલા ગામના સરપંચના પતિ દિપેન જગદીશ પટેલની બર્થ-ડે નિમિત્તે યોજાઇ હતી. જેમાં કેયુર પટેલ નામના એડવોકેટ સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા અને કેટલાકને આમંત્રણ ન મળતાં તેમણે બાતમી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ પાર્ટીમાં ખોટી રીતે ભેરવાઇ ગયેલા રાજુભાઇ મરચાંએ જણાવ્યું હતું કે, તેઓ મિત્રભાવે બર્થ-ડે પાર્ટીમાં શુભેચ્છા આપવા ગયા હતા જ્યાં તેમણે માત્ર થમ્સઅપ અને મેગી જ ખાધી હતી. દારૂની પાર્ટી ચાલતી હોવાની તેમને જાણકારી જ ન હતી. આવું જ રાજુભાઇ સાથે ગયેલા અકબર શેખ અને ઇબ્રાહિમ શેખ અને બિમલ મોદી સાથે બન્યું હતું. આ ચારેય જણા એક જ કારમાં ત્યાં ગયા હતા. આ દરમિયાન પોલીસ આવતાં તેઓ ખોટી રીતે ભેરવાઇ ગયા હતા. જો કે, પોલીસે તેમની વાત ન માની તેમની પણ ધરપકડ કરી હતી.