(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા. ર૪
વલસાડ કલેકટરાલય ખાતે વલસાડ તાલુકાના લોકપ્રશ્નોની સમીક્ષા અર્થે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારનો મુખ્ય આશય અધિકારીઓ-પદાધિકારીઓ સાથે સંકલન સાધીને લોકોને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. પ્રશ્નોના નિરાકરણ માટે આ પ્રયાસ છે. રાજય સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સંવેદનશીલ છે.તેમણે અધિકારીઓને ઝડપભેર પ્રશ્નોનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ દમણગંગા નદીનું પાણી વલસાડને મળે, ઔરંગા નદીનું ડ્રેજીગ કરવા, દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા, જિલ્લાને સબ જેલની વ્યવસ્થા પુરી પાડવા, બુલેટ ટ્રેન અને એક્ષપ્રેસ વે માટે અન્ય વ્યવસ્થા અથવા યોગ્ય વળતર આપવા માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
મંત્રીએ આ બાબતે અધિકારીઓને ઝડપભેર કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. કલેકટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, વલસાડમાં સબજેલ માટે જગ્યા પસંદ કરીને સરકારમાં દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. ઔરંગા નદીમાં આવતા વર્ષે પર ડ્રેજીંગ કરવા હકારાત્મક અભિગમ અપનાવાશે. ઔરંગા નદી પર રીવરફ્રન્ટ બનાવવા આઇઆઇએમ અમદાવાદને ફીઝીબીલીટી માટે કામગીરી સોંપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
દરિયાઇ પાણીની ધોવાણ અટકાવવા માટે રૂા.૬૫ કરોડની દરખાસ્ત કરવામાં આવી હોવાનું કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું હતું.
પદાધિકારીઓ દ્વારા અટગામ ગામે વીજ કનેકશન, આંબેડકરભવનની જાળવણી, છરવાડા પાણી પુરવઠા યોજના ચાલુ કરવા, કોસંબા જેટીનું મરામત કરવા, હનુમાન ભાગડા નવો પુલ બનાવવા, હરિયા ગામે આંગણવાડી બનાવવા, વલસાડ નગરપાલિકાના ધનકચરાના નિકાલની વ્યવસ્થા કરવા જેવી બાબતો રજુઆત કરવામાં આવી હતી.
મંત્રીએ જીઇબીના અધિકારીઓને વીજ પ્રશ્નને ગંભરતાથી લઇ, એક માસમાં વીજ કનેકશન આપવા સુચના આપી હતી. જિલ્લા કલેકટર સી.આર. ખરસાણે જિલ્લાના તમામ પ્રશ્નોનું હકારત્મક રીતે નિરાકરણ કરાશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મણીલાલ પટેલ, અધિક નિવાસી કલેકટર આઇ.જે.માલી, સુરતના ધારાસભ્ય વિવેકભાઇ સહિત જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ હાજર રહ્યા હતા.