સુરત, તા.૩૦
જુલાઇના અંતિમ સપ્તાહમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થતાં ડાંગર પકવતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ધરમપુરમાં ધોધમાર વરસાદ થતાં દમણગંગા, કોલક નદી બંન્ને કાંઠે વહી હતી.૧૧.૫ ઈંચ વરસાદ પડતાં વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ધસી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોના રહીશોને રિક્ષા ફેરવીને સાવધ કરાયા હતા. પ્રાંત અધિકારી કે.જે.ભગોરા ટીમ લઇને ઔરંગા પુલ પર ધસી ગયા હતા. વરસાદના પગલે ગામડાઓમાં ઠેર ઠેર કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. જનજીવન પ્રભાવિત થયું હતું. ઉપરવાસમાં થયેલી ભારે વર્ષાને લઈ એક સમયે સૂકી થયેલી તાન, માન, પાર, નાર સહિતની નદીના જળસ્તર વધવાની સાથે બંને કાંઠે વહી રહી છે. ધરમપુરમાં ૨૦ કોઝ વે પરથી પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે શહેરના દાતાર ફળીયામાં તૂટીને ઘરો પર પડેલા, વર્ષો જૂના વડની ડાળી તૂટી પડતા દીવાલો,પતરાને નુકશાન થયું હતું. જ્યારે કોઠી ફળીયામાં ઝાડથી તૂટેલું પતરૂ પડતા એક વ્યક્તિને પગમાં ઇજા થઇ હતી. ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ જારી રહેતા સર્વત્ર પાણી રેલાઈ ગયા છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડાંગ જિલ્લાની ચાર લોકમાતા બંને કાંઠે વહેતી થઈ હતી. સૌથી વધુ પાણી અંબિકા અને ખાપરી નદીમાં વહેતા આ નદીઓ નજીકના ખેતરોમાં પાણી ભરાયા હતા. આ નદીઓને સાંકળતા ૧૭થી વધુ કોઝવે કમ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
૨૪ કલાક દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ-૩૭ મિમિ, કપરાડા-૧૯૧ મિમિ, ધરમપુર- ૨૮૮ મિમિ, પારડી- ૧૫૨ મિમિ, વલસાડ- ૧૦૫ મિમિ, વાપી-૭૮ મિમિ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાનાં, આહવા- ૧૨૬ મિમિ, વઘઈ- ૨૦૮ મિમિ, સાપુતારા- ૧૫૭ મિમિ, સુબીર- ૭૯ મિમિ બારડોલી- ૪૫ મિમિ, ચોર્યાસી- ૫૯ મિમિ, કામરેજ- ૩૭ મિમિ, મહુવા- ૧૨૧ મિમિ, માંડવી- ૪૦ મિમિ, માંગરોળ- ૧૮૨ મિમિ, ઓલપાડ- ૪૨ મિમિ, પલસાણા- ૪૫ મિમિ, સુરત સિટી- ૫૦ મિમિ, ઉમરપાડા- ૧૧૩ મિમિ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૭૯ મિમિ, જલાલપોર- ૬૨ મિમિ, ગણદેવી- ૪૯ મિમિ, ચીખલી- ૬૨ મિમિ, વાંસદા- ૭૬ મિમિ, ખેરગામ- ૧૦૯ મિમિ, તાપી જિલ્લાના નીઝર- ૨૫ મિમિ, સોનગઢ- ૬૩ મિમિ, ઉચ્છલ- ૪૦ મિમિ, વાલોડ- ૭૪ મિમિ, વ્યારા- ૬૨ મિમિ, ડોલવણ-૬૪ મિમિ, કુકરમુંડા- ૧૩ મિમિ વરસાદ ઝીંકાતો ભરૂચ જિલ્લાફલ્ડ કંટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ર૪ કલાક દરમિયાન આમોદમાં ૩પ મીમી, અંકલેશ્વરમાં ૯૪ મીમી, ભરૂચમાં રપ મીમી, હાંસોટમાં ૪૪ મીમી, જંબુસરમાં ૩૮ મીમી, નેત્રંગમાં ૯૬ મીમી, વાગરામાં ૩૭ મીમી, વાલીયામાં ૯૮ મીમી, ઝઘડિયામાં ર૦ મીમી વરસાદ નોંધાયો છે.
મધુબન ડેમના ૬ દરવાજા ખોલાયા
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ મધુબન ડેમની સપાટી ૭૩.૨૫ મીટર પર પહોંચી છે અને ૧,૩૨,૨૯૦ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના ૬ દરવાજા ૩ મીટર ખોલવામાં આવ્યા છે અને ૭૧,૬૯૫ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા દમણગંગા નદીના કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.