(સંવાદદાતા દ્વારા) વલસાડ,તા.૧પ
વલસાડ નગરપાલિકામાં અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયેલા ઝાકીર પઠાણ તેમજ રમેશ ડેની અને નિતેષ વશી વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા. આ સભ્યો પૈકી ઝાકીર પઠાણે વલસાડ મોગરાવાડી અબ્રામામાં છેલ્લાં ૫ વર્ષથી પડતર પડેલી ડ્રેનેજની સમસ્યાની રજૂઆત કરી હતી. અબ્રામામાં ડ્રેનેજની લાઇન નંખાઇ ગઇ છે, પરંતુ હજુ સુધી પમ્પીંગ સ્ટેશન ન બનતા લોકોને કનેકશન મળી શક્યા નથી. આ પ્રોજેક્ટ ૨૦૧૩માં પૂર્ણ થવાનો હતો. જેને ૫ વર્ષ થઇ જવા છતાં હજુ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ શક્યો નથી. ત્યારે આ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ કરવા તેમણે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે ઘટતું કરવા જણાવ્યું હતુ.
આ સિવાય સાથે ગયેલા સામાજિક કાર્યકર કૈલાશ પાંડેએ વલસાડમાં જેલ બનાવવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ તેમની રજૂઆત ધ્યાને લઇ ગુજરાતના પાંચ જિલ્લા સાથે છઠ્ઠા વલસાડ જિલ્લામાં નવી જેલ બનાવવાની કામગીરી કરવા સૂચન આપ્યું હતુ.