(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૭
વલસાડમાં રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા મોહંમદ સાદીક સરફુદ્દીન શેખ (ઉ.વ.૩૪) ઉપર ૧૦થી ૧પ હુમલાખોરોએ તલવારો, પાઈપ, ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી.
વલસાડમાં રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતાડ મોહંમદ સાદીકની સાથે ત્રણ અઠવાડિયા અગાઉ તેજ વિસ્તારમાં રહેતા શખ્સો સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું.
તા.૧૩ જુલાઈની રાત્રે મોહંમદ સાદીક એક્ટિવા લઈને ૧૧.૧પ કલાકે રાખોડિયા તળાવમાં પોતાના ઘરે આવવા પહોંચ્યા ત્યારે પ્લાનિંગ મુજબ પાછળથી હુમલાખોરો જે છુપાઈને ઊભા હતા તેઓએ પાઈપનો ફટકો માથામાં મારતા નીચે પડી ગયેલ. પછી માથામાં તલવારના ઘાથી જીવલેણ હુમલો કર્યો અને પછી ૧૦થી ૧પ હુમલાખોરો હથિયારો સાથે તૂટી પડી ગંભીર રીતે ઘાયલ કરેલ આસપાસ રહેતા લોકો આવી જતાં હુમલાખોરો ભાગી ગયા હતા. સ્થાનિક યુવાનો મોહંમદ સાદીકને તાત્કાલિક વલસાડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી તેઓને વધુ સારવાર માટે ડૉક્ટર હાઉસમાં લઈ ગયેલ આઈ.સી.યુ.માં તાત્કાલિક સારવાર શરૂ કરેલી. ‘‘ગુજરાત ટુડે’’ સાથેની વાતચીતમાં મોહંમદ સાદીકે જણાવ્યું હતું કે, ર૦ દિવસ પહેલાં નજીવી બોલાચાલી થયેલી અમે સમાધાન કરીને બધુ ભૂલી ગયેલા અમે જમાતમાં જવાની તૈયારી કરતા હતા. પ્રકાશ ઉર્ફે પી.સી., છોટુ પટેલ, જીતુ, ધર્મેશ ઉર્ફે પીન્ટુ, અશ્વિન અને અન્ય વિરૂદ્ધ સામે પોલીસમાં ફરિયાદ આપેલ છે.
આ બનાવ બનતા વલસાડ પોલીસે તાત્કાલિક રાખોડિયા તળાવ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમરનાથ યાત્રિઓ ઉપરના આતંકવાદી હુમલા બાદ વલસાડમાં આ બનાવ બનતા હિન્દુ-મુસ્લિમ કોમવાદ ન ફેલાય તે માટે અગ્રણીઓની સિટી પોલીસ મથકે મીટિંગ બોલાવાઈ હતી. આરોપીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી તેઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાતા ફરાર થઈ ગયા છે.
વાપીના ‘‘ગુજરાત ટુડે’’ના પ્રતિનિધિએ વલસાડના અગ્રણી ઝાહીદ દરિયાઈ સાથે દવાખાનામાં ગંભીર ઈજાગ્રસ્ત મોહંમદ સાહીદ અને તેઓના પિતા સરફુદ્દીન શેખની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે અમોને પોલીસની કામગિરી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓએ આ બનાવની ગંભીરતા સમજીને પગલાં લીધા છે કટ્ટવાદીઓ વલસાડમાં કોમી વૈમનસ્ય ફેલાવવામાં નિષ્ફળ નિવડ્યા છે. મુસ્લિમ યુવકની હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો છે.
આ બનાવમાં ફરાર થઈ ગયેલ હુમલાખોરોને જલદી પકડીને વલસાડ પોલીસ કોઈની પણ શેહશરમ ના રાખે અને હુમલાખોરોને કડકમાં કડક સજા અપાવે તેવી માગણી વલસાડના મુસ્લિમ સમાજમાંથી ઉઠી છે.
વલસાડ દક્ષિણ ગુજરાતમાં કોમીએકતાની મિશાલ ધરાવતું શહેર છે. અહીં હિંદુ-મુસ્લિમ ભાઈચારાથી રહે છે.