(એજન્સી) સ્ટોકહોમ, તા.૭
સ્વીડીશ રાઇટ્‌સ ગ્રુપ સ્કાયલાઇન ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર નેબલસની અન-નજાહ નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં લીધેલાં પગલાંઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સ્ટોકહોમની સ્કાયલાઇન ઇન્ટરનેશનલે યુનિવર્સિટીના લેબ મેડિસીનના વિદ્યાર્થી અને મેેડિકલ યુથ મૂવમેન્ટના સંચાલક અલ-અશ્કાર પર મૂકવામાં આવેલા પ્રતિબંધને વખોડી કાઢ્યો હતો. સ્કાયલાઇનના કાયદાકીય વિભાગના વડાએ જણાવ્યું કે તાજેતરમાં અલ-અક્સા મસ્જિદની આસપાસ પ્રદર્શન કરતી પેલેસ્ટીની મહિલાઓ અને યુવતીઓનું સમર્થન કરતી ફેસબૂક પોસ્ટના કારણે અલ-અશકરને હાંકી કાઢવામાં આવ્યો હતો. પ્રદર્શન કરી રહેલી મહિલાઓને અલ-અક્સા મસ્જિદના પરિસરમાં પ્રવેશવા પર અને અલ-અક્સા અંગેની પરિષદમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્કાયલઇનના પ્રતિનિધિએ જણાવ્યું કે આ પગલું વાણી સ્વાતંત્રતા આપતાં તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. સ્કાયલાઇને આ પ્રતિબંધ ઉઠાવી લેવા તથા અલ-અશ્કારને તેનો અભ્યાસ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવા તથા કેમ્પસની બહાર અને અંદર વિદ્યાર્થીઓના વાણી સ્વાતંત્રતાના અધિકારનું માન જાળવવા માટે અન-નજાહના વહીવટીતંત્રનું આહ્‌વાન કર્યું છે.