(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૦
શાર્લોટ્‌સવિલેના વર્જિનિયામાં હિંસક અથડામણ સર્જાયાના ગણતરીના દિવસો બાદ જમણી પાંખે યોજેલી રેલીની પ્રતિક્રિયા રૂપે મહિલાઓ, પુરૂષો અને બાળકો સહિત હજારો પ્રદર્શનકારીઓ યુએસના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. હજારો લોકોએ જાતિવાદના વિરોધમાં આયોજિત માર્ટમાં ભાગ લીધો હતો. તેની સામે શ્વેતને સર્વશ્રેષ્ઠ માનનારા રાષ્ટ્રવાદીઓ તરફથી યોજવામાં આવેલી રેલી ખૂબ જ નાની લાગી રહી હતી. જો કે ગત અઠવાડિયે વર્જિનિયામાં બંને પક્ષો તરફથી આયોજિત રેલીની જેમ અહીં કોઇ હિંસક ઘટના નથી થઇ, પરંતુ પોલીસની સાથે હળવી અથડામણ થઇ હતી. કટ્ટર દક્ષિણપંથી સમૂહો તરફથી આયોજિત તથા કથિત રેલી સ્થાનિક સમયાનુસાર બપોરના ૨ વાગ્યા સુધી યોજાવાની હતી પરંતુ પોલીસે તેમાં ભાગ લેનારાઓને અડધા કલાક પહેલાં જ ત્યાથી હટાવી દીધા હતા. આ રેલીમાં ફક્ત થોડાઘણાં લોકો જ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટિક પાર્ટીના ગઢમાં જાતિવાદ વિરોધી ભાવનાઓ ખૂબ જ મજબૂત છે. આ વિરોધ પ્રદર્શનમાં બ્લેક લાઇવ્સ મેટર અને અન્ય સમૂહોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમણે નાઝી વિરોધી અને ફાસીવાદ વિરોધી સૂત્રોચાર કર્યા હતા. તેમાંથી કેટલાંક લોકોએ સંપૂર્ણ રીતે કાળા પોશાક પહેર્યા હતા. બોસ્ટોન પોલીસના અંદાજ પ્રમાણે ૧૫ હજાર લોકો આ રેલીમાં હાજર રહ્યા હતા અને આશરે ૫૦૦ પોસીસ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર વિલિયમ ઇવાન્યે કહ્યું કે અમેે કોઇપણ પ્રકારની ગેરવર્તણૂંક, હિંસા કે જંગાલિયતને સાંખી નહીં લઇએ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે સારી વર્તણૂંકની આશા રાખીએ છીએ પરંતુ પરિર્થિતિ વણસે તે માટે પણ અમે તૈયાર છીએ. રેલીમાં કોઇપણ પ્રકારના શસ્ત્રો પર બોસ્ટોને પ્રતિબંધ મૂક્યો હતો. શાર્લોટસવિલેની ભયાનક હિંસા બાદ હિંસા ન ભડકે તે માટે ચેતવણીઓ આપવામાં આવી હતી. ગત અઠવાડિયે વર્જિનિયાની શેરીઓમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકી હતી. આ લોહિયાળ હિંસામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે આખા દેશમાં તણાવની સ્થિતિ ઉભી થઇ હતી.