જૂનાગઢ, તા. ૪
વંથલી શહેર નજીક પસાર થતી ઓઝત નદીના પટમાં રેતીની લીઝ મામલે છેલ્લા કેટલાક દિવસથી વંથલીના ગ્રામજનો-આગેવાનો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે આ આંદોલન ઉગ્ર વણાંક લેતાં આજે વંથલીના ગ્રામજનોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. આજે વંથલીના લોકોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી આજ સવારથી ઉગ્ર આંદોલન કરતા હાઈવે ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો જેને પગલે વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચક્કાજામ અટકાવવા માટે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. એક તબક્કે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસને સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયરગેસના ૪ સેલ છોડવાની ફરજ પડી હતી. આ દરમ્યાન માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા પણ આંદોલનકારીઓ સાથે જોડાતા પોલીસે ધારાસભ્ય જવાહર ચાવડાની પણ અટકાયત કરી લીધી હતી.
ઓઝત નદીમાંથી રેતીના ગેરકાયદેસર ખનનના મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રેતી ખનનના વિરોધમાં આજે વંથલીમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. વંથલી વિસ્તારમાં માથાભારે રેતીચોર, માફિયાઓ ખેડૂતો ઉપર અત્યાચાર પણ ગુજારે છે. વંથલી વિસ્તારના ખેડૂતો-ગ્રામજનો દ્વારા રેતી માફિયાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવતા રેતી માફિયાઓ ખેડૂતો અને આગેવાનો સાથે ઘર્ષણ કરે છે. દરમ્યાનમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ આંદોલનકારી નયન કલોલા નામના ખેડૂત ઉપર હુમલો કરતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઓઝત નદીમાં થતાં આડેધડ ખનન સામે વંથલીના ગ્રાજનોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા અસામાજિક તત્ત્વોને છાવરવાનો આક્ષેપ થઈ રહ્યો છે આવા તત્ત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે તેમજ જો રેતી ખનનની પ્રવૃતિ અટકાવવામાં નહીં આવે તો તા. ર૯ જુને સામૂહિક આત્મવિલોપન કરવાની આંદોલનકારી ગ્રામજનોએ ચેતવણી આપી છે. આ આંદોલનને વંથલી ઉપરાંત કણજડી, કણઝા ધાર, કાજલિયાળીના ગ્રામજનોએ ટેકો જાહેર કર્યો છે.