(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧
રાજ્યમાં અલગઅલગ જગ્યાએ ખેડૂતો પાકવીમા મળવાના મુદ્દે વર્તમાન સરકાર સામે આક્રમક રજૂઆતો, આંદોલનો સહિતના દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરી પાક વીમો મળવાની માંગ કરી રહ્યા છે ત્યારે પાકવીમાની મળેલ રકમ પરત કરી દેવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. આ વાત છે જૂનાગઢના વંથલી તાલુકાના થાણાપીપળી ગામની આ ગામની વસ્તી છે. ૨૫૦૦થી ૩૦૦૦ની જેમાંથી અંદાજીત ૭૦૦ ખેડૂતો એકત્રિત થઇ ગામમાં જ આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં રૂબરૂ લેખિત સ્વરૂપે બ્રાંચ મેનેજરને પાકવીમાની રકમ પરત લઇ લેવા માંગ કરી હતી. વંથલી તાલુકાના થાણાપીપળીમાં ગત વર્ષે મગફળીમાં મુંડા નામના રોગ અને કપાસમાં ગુલાબી ઈયળ નામના રોગે કાળો કેર મચાવતા ખેડૂતોના હાલ બેહાલ થયા હતા. સરકારી જૂઠ્ઠા વચનોને પગલે આ જગતનો તાત સરકારી દફ્કારોના ચક્કર લગાવતો થઇ ગયો હતો. આજ પાકવીમો મળશે. કાલે પાકવીમો મળશે તેની રાહ જોતા જોતા આ જગતના તાતને પોતાના મોબાઈલ ઉપર મેસેજની ઘંટડી રણકી ઉઠતા જગતનો તાત જૂમી ઉઠ્યો હતો. પરંતુ મેસેજમાં લખાયેલ રકમ કઈક અજુક્તી હતી. ગામના ખેડૂતો એક પછી એક ગામના ચોરે એકત્રિત થવા લાગ્યા. કોઈને ૧૦૦ રૂા.ટો કોઈને ૨૦૦ રૂપિયા તો વળી કોઈને ૩૦૦ રૂપિયાની સહાય મળી હોવાની વાત એકબીજા કરી રહ્યા હતા. ધરતી ચીરી પોતાનો પરશેવો અને લોહી રેડી ધાન પકવતા આ જગતના તાતને પોતાની મશ્કરી થઇ હોવાનું જણાતા ખેડૂતો રોષે ભરાયા હતા. ગામના તમામ ખેડૂતો આજે એકત્રિત થઇ સામુહિક રીતે પોતાને મળેલ પાકવીમાની રકમ પરત લઇ લેવા લેખિતમાં માગ કરી અને જિલ્લા મથક જૂનાગઢ દોડી આવ્યા હતા. જૂનાગઢ કલેકટરને રૂબરૂ મળી પોતાની વ્યથા અને વેદનાઓ વ્યક્ત કરી હતી. નજીવા પાકવીમાની રકમ પરત કરી આવેદનપત્ર પાઠવી વર્તમાન સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ફરીથી સર્વે કરી ઉચિત રકમ પાકવીમા સ્વરૂપે મળે તેવી બુલંદ માંગ ઉઠાવી હતી.