અમદાવાદ, તા.૫
સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી આઝમખાને તાજેતરમાં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં જુબાની આપી હતી કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડી.જી. વણઝારાના ઈશારે સોહરાબુદ્દીને કરી હતી. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ પણ ડી.જી. વણઝારાએ જ કરી હતી. ત્યારે એન્કાઉન્ટર કેસના સાક્ષીએ આપેલી જુબાની મુજબ હરેન પંડ્યાની હત્યા વણઝારાના ઈશારે સોહરાબુદ્દીને કરી હતી. તો વણઝારા પાછળ કોનું ભેંજુ છે ? તે સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે વિસ્તારથી વાત કરીએ તો ર૬ માર્ચ ર૦૦૩ના રોજ અમદાવાદમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થઈ હતી. ત્યારબાદ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન ડીસીપી એવા ડી.જી. વણઝારાને સોંપવામાં આવી હતી. આ કેસમાં વણઝારાની ટીમ આ કેસના આરોપી રહી ચૂકેલા અસગરઅલી સુધી પહોંચી હતી. જો કે ત્યારબાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ સમયે સીબીઆઈએ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરેલી તપાસને આધાર માની તપાસ આગળ ધપાવી હતી. જેને પગલે સીબીઆઈએ અસગરઅલી સહિત ૧ર આરોપીઓની ધરપકડ કરી હતી. વર્ષ-ર૦૧૧ ગુજરાત હાઈકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના તમામ ૧ર આરોપીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પડતા મૂક્યા હતા. જે તપાસને આધાર માનીને સીબીઆઈએ તપાસ આગળ વધારી હતી, તે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન ડીસીપી વણઝારાના સુપરવિઝનમાં થઈ હતી. આમ આઝમખાનના આ નિવેદન બાદ આ તપાસ સામે પણ અનેક સવાલો ઉઠે છે. તેમાં પણ આ કેસના તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જતાં શંકા વધુ ઘેરી બની હતી. હરેન પંડ્યા હત્યા કેસના ષડયંત્ર અને હત્યાના તમામ ૧ર આરોપીઓ હાઈકોર્ટમાં નિર્દોષ છૂટી ચૂક્યા છે. તો બીજી તરફ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસમાં પણ અનેક આઈપીએસ અધિકારીઓ અને બિઝનેસમેન છૂટી ગયા છે.
ર૬ માર્ચ ર૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આ હત્યા કેસમાં તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે. અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યકત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ ર૦૦૩માં હૈદરાબાદમાંથી અસગરઅલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રપ જૂન ર૦૦૭ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.