(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.ર૦
વાપી જીઆઈડીસી ખાતે એનર્જી સેવિંગ પ્લાન માટે મંજૂરી ન લેતા ચાર મોટા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ એનર્જી સેવિંગ પ્લાન (વીજ બિલ બચતનો પ્રોજેક્ટ) માટે કીર્લોસર કંપની તરફથી વાપી જીઆઈડીસી પમ્પિંગ સ્ટેશન ખાતે દરખાસ્ત આવી હતી. ર૭ કરોડના આ પ્રોજેક્ટને વાપી જીઆઈડીસી કચેરી નોટિફાઈડના ઓફિસરો અને વીઆઈએ વાપીના ચૂંટાયેલા બોર્ડના ઉદ્યોગપતિઓની હાજરીમાં મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે વાપી વીઆઈએના પ્રમુખપદે યોગેશ કાબરીયા અને વાપી વોટર વર્કસ કમિટીના ચેરમેનપદે ચેતન પટેલ હતા તે સમયે વાપી જીઆઈડીસીના અધિકારી મેનેજર દિગ્વિજયસિંહ પરમારની અધ્યક્ષતામાં આ ર૭ કરોડના એનર્જી સેવિંગના પ્લાન મંજૂર કરવાનો ઠરાવ થયો હતો. પરંતુ ગાંધીનગરમાં જીઆઈડીસી વીસીએના અધિકારીઓને જાણ ન કરતા અને ટેન્ડર વગર ર૭ કરોડનો કરાર કરતા વાપી જીઆઈડીસીના ડિવિઝનલ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ પરમાર, વાપી નોટિફાઈડના ચીફ ઓફિસર એ.કે. પટેલ, કાર્યપાલક એન્જિનિયર ડી.એમ. પટેલ, (હાલ દહેજ) અને કાર્યપાલક એન્જિનિયર એન. વી. પટેલ (હાલ રાજકોટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.