વાપી, તા.૧૩
વાપી નગરપાલિકાએ પાણી વેરા અંગે નગરપાલિકા નિયામકની પરવાનગી મેળવ્યા વિના મનસ્વીપણે અને જોહુકમીથી વાપી વિસ્તારના નગરજનો ઉપર પાણી વેરામાં વધારો ઠોકી બેસાડવા બાબતે કોર્પોરેટર પટેલ ખંડુભાઈ ગુલાબભાઈ પટેલે કલેક્ટરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે વાપી નગરપાલિકા સામાન્ય સભામાં ભાજપના સત્તાધીશો મોટાભાગે એજન્ડાના ઠરાવો વંચાણે લેતા નથી અને બહુમતીથી બહાલી આપી દેવામાં આવે છે. ઠરાવોમાં વિરોધ પક્ષના વિરોધને પણ ધ્યાને લેવામાં આવતો નથી. વાપી નગરપાલિકાએ આ અગાઉ પણ પાણી વેરામાં અડીખમ વધારો કરી વાપીના નગરજનોને તેનો ભોગ બનવું પડેલ હતું. તેમ છતાં હાલે પણ વાપી નગરપાલિકાએ નગરજનોને દરેક બિલ્ડીંગમાં એક જ નળ કનેકશન આપવામાં આવેલ હોવા છતાં બિલ્ડીંગના દરેક ફ્લેટ ધારો પાસે ફ્લેટ દીઠ રૂા.૬૦૦/-નો ખાસ પાણી વધારો લેવામાં આવે છે. જે લોકો સાથે અન્યાય છે. આ ખાસ પાણી વેરો વસૂલવાનો ઠરાવ પણ સામાન્ય સભામાં વંચાણે લેવામાં આવ્યો ન હતો. અને પાછળથી આ ઠરાવને બહુમતીના જોરે બહાલી આપી દેવાઈ હતી. આ બાબતે વિરોધ પક્ષે તથા શાસક પક્ષના પાંચથી છ સભ્યોએ લેખિતમાં વાંધો રજૂ કરેલ હોવા છતાં કોઈ ધ્યાને લેવામાં આવેલ નથી. આ જંગી વધારો તાત્કાલિક દૂર કરવામાં આવે. ખાસ પાણી વેરામાં રાહત મળવા યોગ્ય કરવા રજૂઆત કરી છે.
વાપી નગરપાલિકા આ ખાસ પાણી વેરાનો વધારો તાત્કાલિક ખેંચવામાં ન આવશે તો વાપી શહેર કોંગ્રેસ કમિટીના તમામ કાર્યકર્તા તથા વાપી શહેરની તમામ જનતા આ ખાસ પાણીના વધારા અંગે વાપી નગર પાલિકામાં વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ ધરણા પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ખંડુભાઈ પટેલે જણાવ્યું છે.