(સંવાદદાતા દ્વારા) વાપી, સુરત, તા.૯
શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈ.આઈ.એફ.એલ. ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા ૧૦ કરોડની લૂંટ ચલાવી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને ૮ કરોડના સોના સહિત ૧૦ કરોડની લૂંટ ચલાવીને માત્ર ૧૦ મિનિટમાં નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે.
વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા ૧૦ વાગ્યાની આસપાસ એક બાદ એક ૬ જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે ૮ કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે ૧૦થી ૧૫ મિનિટમાં જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોની નાકાબંધીની જાણ કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષના બીજા માળે આવેલી આઈ.આઈ.એફ.એલ. ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં સવારના સમયે ઓફિસ ખુલી હતી એ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે ૧૦ કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. ભરચક વિસ્તારમાં દોળા દિવસે થયેલી લૂંટને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફએલ ખાનગી ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર સહિત જિલ્લા અને રાજ્યમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.