(એજન્સી)
લખનૌ, તા.૧૯
ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના ડે.સીએમ. કૈશવ પ્રસાદ મૌર્યની એક તસવીર તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ એક અખબારમાં વારાણસી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૮ લોકો અંગેના સમાચાર વાંચીને હસતા જોવા મળ્યા હતા. આ તસવીરને શેર કરતાં આરટીઆઈના કાર્યકર્તા ડૉ.આનંદ રાયે ટ્‌વીટ કરી છે કે, જે પુલ તમારા મંત્રાલય હેઠળ આવે છે તે પડી ગયો છે અને તેના કારણે ૧૮ લોકો મોતને ભેટયા હોવા છતાં તમે કેવી રીતે હસી શકો છો ? આનંદ રાયની આ ટ્‌વીટ બાદ સોશિયલ મીડિયા પર મૌર્ય ટ્રોલ થઈ રહ્યા છે. લોકો કહે છે કે જ્યારે રાજકારણમાંથી સંવેદનશીલતા ગાયબ થઈ જાય ત્યારે આવું જ થાય છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે જો આ લોકોમાં માનવતા અને સંવેદના હોત તો શું દેશની હાલત આવી હોત. સત્તાના લાલચુ લોકોને માત્ર સત્તા જ જોઈએ છે. તેમને લોકો મરે તેનાથી કોઈ જ ફરક પડતો નથી.