(એજન્સી) વારાણસી,તા.૧૧
બુધવારે વારાણસીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કર્યાં હતા. વારાણસીને ક્યોટોમાં તબદીલ કરવાના વચનનું ભાજપ પાલન નથી કરી રહ્યું તેના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઇ હતી. આશરે ૧૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. યુપી કોંગ્રેસ કમિટીએ ભાજપ વિરુદ્ધ જેલભરો આંદોલન શરૂ કર્યું હતું. સમાજવાદી પાર્ટીની જેમ જ કોંગ્રેસે ભાજપનો વિરોધ કરવા માટે ૯ ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી. ભારત છોડો આંદોલનની યાદમાં ૯ ઓગસ્ટના રોજ ઓગસ્ટ ક્રાંંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય અજય રાય અને કોંગ્રેસ પાર્ટીના નેતા અજયકુમાર લાલુ સહિત પક્ષના સેંકડો સ્વયંસેવકો અને સમર્થકોની જિલ્લા કલેક્ટરની જિલ્લા પોલીસ સાથે અથડામણ સર્જાઇ હતી, જેના પગલે આશરે ૧૦૦ જેટલા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. “મોદીજીએ વચન આપ્યું હતું કે તેઓ કાશીને ક્યોટો જેવું શહેર બનાવી દેશે, પરંતુ નાળાઓ ઉભરાઇ રહ્યાં છે અને રસ્તાઓનું હજુ પણ સમારકામ થયું નથી” તેમ અજય રાયે જણાવ્યું હતું. મોદીજીએ ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ બને તે માટે ૨૦૧૫મા ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ (આઇડીપીએસ) શરૂ કરી હતી. “આડીપીએસ એ ઇલેક્ટ્રીક વાયરોને અન્ડરગ્રાઉન્ડ કેબલ કરવાનું કાર્ય છે જેમાં વીજળીનો આંચકો લાગવાના કારણે અનેક પ્રાણીઓ મોતને ભેટ્યા હતા” તેમ રાયે જણાવ્યું હતું. તાજેતરમાં હરિયાણામાં ઘટેલી ઘટનાનું ઉદાહરણ લઇને કોંગ્રેસે મોદીજી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે મોદીજી ‘બેટી બચાઓ’નું વચન પણ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.