(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કામરેજની સિદ્ધાર્થ લો કોલેજમાં બંધ થઇ ગયેલા એલએલ.એમ.ના વર્ગો વિદ્યાર્થીઓના ઉમદા હિતમાં ફરી શરુ કરવા માટે આજે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર ધડુકને મળી રજૂઆતો કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ ગ્રાન્ટેડ લો કોલેજો આવેલી છે.જેમાં સુરતની વીટી ચોકસી,કામરેજની સિદ્ધાર્થ લો, ભરૂચની લો કોલેજ,નવસારીની ડીડી લો કોલેજ,તથા વલસાડની લો કોલેજનો સમાવેશ થાય છે.જ્યારે આ પૈકીની ત્રણ કોલેજોમાં એલએલ.એમ.ના વર્ગો ચાલતા હતા.જ્યારે યુનિ. ડિપાર્ટમેન્ટ ખાતે પણ એલએલ.એમ.ના વર્ગો ચાલે છે. જો કે, કામરેજની લો કોલેજમાં ચાલતા એલએલ.એમ. બિઝનેસના વર્ગ ગત વર્ષથી યુનિ.એ કોલેજ સંચાલકોની ભલામણને કારણે કોઇ પણ યોગ્ય કારણ વિનાજ બંધ કરી દીધા હતા. જેના કારણે એલએલ.એમ.ની ૪૫ જેટલી બેઠકો આપોઆપ ઘટી જવા પામી છે. જ્યારે સુરતમાં હાલમાં માત્ર વીટી ચોકસી લો કોલેજ અને યુનિ.લો ડિપાર્ટમેન્ટ ખાતે જ એલએલ.એમ.ના વર્ગો ચાલે છે. જેની કુલ ૯૦ જ બેઠકો છે માટે વિદ્યાર્થીઓના ઉમદા હિત માટે કામરેજમાં એલએલ.એમ.ના વર્ગો ફરી શરૂ કરવા માટે આજે પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ યુનિ.ખાતે જઇ ઇન્ચાર્જ કુલસચિવ ધડુકને મળી તેમણે લેખિતમાં રજૂઆતો કરી,કામરેજ ખાતે એલએલ.એમ.ના વર્ગો ફરી શરૂ કરવા માટે માગણી કરી હતી.