અમદાવાદ, તા.૪
રાજ્યમાં મોડે-મોડે ચોમાસાની વિધિવત શરૂઆત થતાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ભરૂચ જિલ્લામાં માત્ર ૮ કલાકના ટૂંકાગાળામાં ૯ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થયાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે આગામી બે દિવસનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૧૮૬ મીમી, નવસારીમાં ૧૭૬ મીમી મળી કુલ બે તાલુકામાં સાત ઈંચ, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૪૭ મીમી, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૧પપ મીમી મળી કુલ બે તાલુકામાં છ ઈંચ અને સુરત જિલ્લાના સુરત શહેરમાં ૧ર૪ મીમી, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૧રપ મીમી, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૧૪ર મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૪/૦૭/ર૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કામરેજ તાલુકામાં ૧૦૯ મીમી, પલસાણા તાલુકામાં ૧૧૩ મીમી, ગણદેવી તાલુકામાં ૧૧ર મીમી, ધરમપુર તાલુકામાં ૧૦૩ મીમી, ઉના તાલુકામાં ૧૦૪ મીમી, અને જાફરાબાદ તાલુકામાં ૯૯ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના ગીરગઢડા તાલુકામાં ૮૧ મીમી, વાલોડ તાલુકામાં ૭પ મીમી, બારડોલી તાલુકામાં ૯પ મીમી, મહુવા (સુરત)માં ૯૬ મીમી, વલસાડ તાલુકામાં ૮૮ મીમી અને વધઈ તાલુકામાં ૭૪ મીમી મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ જ્યારે જામજોધપુર તાલુકામાં ૬૦ મીમી, પોરબંદર તાલુકામાં પ૩ મીમી, કેશોદ તાલુકામાં ૬૧ મીમી, મેંદરડા તાલુકામાં પ૯ મીમી, વેરાવળ તાલુકામાં ૬૧ મીમી, રાજુલા તાલુકામાં ૭૧ મીમી, મહુવા (ભાવનગર) તાલુકામાં પ૦ મીમી, અંકલેશ્વર તાલુકામાં પર મીમી, નેત્રંગ તાલુકામાં પપ મી.મી., સોનગઢ તાલુકામાં પ૦ મી.મી., વ્યારા તાલુકામાં ૬પ મી.મી., ડોલવણ તાલુકામાં ૬પ મી.મી, માંગરોળ તાલુકામાં પપ મી.મી. અને ખેરગામ તાલુકામાં પ૪ મી.મી. મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે ર૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને અન્ય ૩૦ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧.૭૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં ૧ ટકા, ઉત્તર ગુજરાત રિજિયનમાં ૯.ર૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮.૮૪ ટકા, સૌરાષ્ટ્ર રિજિયનમાં ૭.૪પ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.પ૩ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયેલ છે.