(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. તેમાંય કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માંડ ૩પથી પ૦ ટકા જેટલો જ વરસાદ નોંધાતા આ વિસ્તારમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ છે. જો કે હજુ ચોમાસું પૂર્ણ થયું નથી. ભાદરવો જો ભરપૂર રહે તો આ વિસ્તારની પાણીની ચિંતા હળવી બની શકે, નહીં તો લોકોનું આખું વર્ષર્ કપરૂ બની રહેશે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી. મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ છે. સૌથી વિકટ સ્થિતિ કચ્છની સર્જાય તેવી સંભાવના છે.
રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨,૮૫,૪૬૩ મિલિયન ક્યુસેક ફીટ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના ૫૧.૨૯ ટકા જેટલો થાય છે. પૂર નિયંત્રણ કક્ષના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧,૮૨,૮૨૮ મિલિ.ક્યુ.ફીટ જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૫૪.૭૩ ટકા જેટલો થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૦.૨૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૨.૧૯ ટકા પાણીનો સંગ્રહ છે.
ચોંકાવનારી બાબત એ છે કે કચ્છના ૨૦ જળાશયોમાં ૧૨.૭૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૫૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવરમાં ૪૫૬૨૭ ક્યુસેક, વણાકબોરીમાં ૨૫૫૦ ક્યુસેક, દમણગંગામાં ૬૮૫૧ ક્યુસેક, કડાણામાં ૧૪૯૪૦ ક્યુસેક, કરજણમાં ૩૮૦૪ ક્યુસેક, ધરોઈમાં ૨૨૨૨ ક્યુસેક અને પાનમ જળાશયમાં ૨૦૮૫ ક્યુસેક પાણીની આવક છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થયો છે. પણ કેટલાક વિસ્તારોમાં અપૂરતો વરસાદ થતાં રાજ્યનાં ૨૦૩ જળાશયોમાં માત્ર ૫૧.૨૯ ટકા જળસંગ્રહ થવા પામ્યો છે જે આવનારા ઉનાળા માટે કપરો સમય બતાવશે. એકમાત્ર નર્મદા જળાશયમાં પાણીની આવક એટલી છે કે આગામી એક વર્ષ સુધી પીવાનું પાણી ખૂટે તેમ નથી. પરંતુ આ પાણી જ્યાં કેનાલની વ્યવસ્થા છે તે જ વિસ્તારને આવરી લે છે બાકીના વિસ્તારો બાકાત રહેશે. અન્ય જળાશયોમાં તો આખું વર્ષ ચાલે જેટલું પાણી ન હોવાથી તંગી સર્જાઈ શકે છે.
વરસાદ ખેંચાતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ

Recent Comments