(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન ખાતાએ કરેલી ત્રણ દિવસની વરસાદની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જ્યારે આગામી બે દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી બે દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે જેમાં વડોદરા છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ર૯મીએ મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.