વિશાખાપટ્ટનમ,તા.૧
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે (સવારે ૯.૩૦થી લાઇવ) ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થશે. જોકે, મેઘરાજા મજા બગાડશે એવી સંભાવના છે, કારણકે વેધશાળાની આગાહી મુજબ મૅચના પાંચેય દિવસ વરસાદ પડવાની શક્યતા છે.
વિશાખાપટનમમાં એક અઠવાડિયાથી રોજ વરસાદ પડી રહ્યો છે અને મૅચના પ્રારંભિક દિવસે વરસાદનો ૮૦ ટકા ચાન્સ છે. બીજા તથા ત્રીજા દિવસે અનુક્રમે ૫૦ ટકા અને ૪૦ ટકા સંભાવના છે તેમ જ છેલ્લા બે દિવસ પણ વરસાદ પડી શકે.
ત્રણ વર્ષ પહેલાં ઘરઆંગણે ભારતે સાઉથ આફ્રિકાને ટેસ્ટ-સિરીઝમાં ૩-૦થી હરાવ્યું હતું.
સાઉથ આફ્રિકાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૯૯૨માં પુનઃપ્રવેશ કર્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારત સાથે એની કુલ ૩૬ ટેસ્ટ રમાઈ છે જેમાંથી ૧૫ ભારતે અને ૧૧ સાઉથ આફ્રિકાએ જીતી છે. ૧૦ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.્‌ઘરઆંગણે પણ ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતની પિચો પર બન્ને દેશો વચ્ચે કુલ ૧૬ ટેસ્ટ રમાઈ છે જેમાંથી ૮ ટેસ્ટ ભારતે અને ૫ સાઉથ આફ્રિકાએ જીતી છે. ૩ ટેસ્ટ ડ્રૉ થઈ છે.
છેલ્લે જાન્યુઆરી, ૨૦૧૮માં વિરાટ કોહલીના સુકાનમાં ભારતે જોહનિસબર્ગમાં ફૅફ ડુ પ્લેસીની ટીમને ૬૩ રનથી હરાવી હતી. ભુવનેશ્ર્‌વર કુમારને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે પંતને પ્રોજેક્ટ કરવા માટે ટીમ મેનેજમેન્ટ તેને ઉપરા છાપરી મોકા આપી રહ્યુ છે ત્યારે ખરાબ શોટ મારીને વિકેટ ફેંકી દેવાની પંતની આદતની છેલ્લા કેટલાક સમયથી ટીકા થઈ રહી છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાં પંતને જગ્યા અપાઈ છે પણ કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી ટેસ્ટમાં વિકેટ કીપર તરીકે અંતિમ ઈલેવનમાં પંતને સ્થાન આપ્યુ નથી.
કોહલીએ કહ્યુ હતુ કે, બે વર્ષથી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર રહેલા વિકેટ કીપર રિધ્ધિમાન સહાને ટીમમાં સામેલ કરાયો છે. તેઓ આખી સિરિઝમાં વિકેટ કીપર તરીકે રહેશે.
દરમિયાન ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર પણ કરી દીધી છે. જે આ પ્રમાણે છે.
વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે( વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આર અશ્વિન, આર જાડેજા, રિધ્ધિમાન સહા(વિકેટ કીપર), ઈશાંત શર્મા, મહોમ્મદ સામી