(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ધીમી ધારે તમામ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સર્વત્ર વરસાદથી ચોમાસુ જામ્યું છે. નદી નાળાઓ બન્ને કાંઠે વહેતા જાઈ જગતનો તાત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
નવસારી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન નવસારી- જલાલપોર, ગણદેવીમાં અડધો ઈંચ, ચીખલી, વાંસદામાં બે ઈંચ અને ખેરગામમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે આજે સવારથી ગણદેવી અને ચીખલીમાં વધુ ૨ ઈંચ, વાંસીદામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ધરમપુર-કપરાડા ૩ ઈંચ, પારડીમાં અઢી ઈંચ, વલસાડ-વાપીમાં ૩ ઈંચ અને ઉમરગામમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે કપરાડામાં વધુ એક ઈંચ અને ધરમપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન વઘઇમાં સાડા ત્રણ ઈંચ, સાપુતારા-આહવામાં બે ઈંચ અને સુબીરમાં એક ઈંચ વરસાદ ઝીંકાયો છે. આજે સવારથી સુબીર તાલુકામાં વધુ એક ઈંચ અને વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન કુકરમુંડામાં સાડા ત્રણ ઈંચ, નિઝરમાં અઢી ઈંચ, વ્યારા, સોનગઢમાં દોઢ-દોઢ ઈંચ અને વાલડમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી સોનગઢ અને ડોલવણમાં વધુ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ તમામ તાલુકામાં ધીમી ધારે સતત સર્વત્ર વરસાદ થતા ચોમાસુ જામ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાઈ રહ્યા છે. હજી આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની તમામ નદી નાળાઓ બન્ને કાંઠે વહેતા ધરતીપુત્રોમાં ખુશાલી છવાઈ છે.