લાંબા સમયના વિરામબાદ અમદાવાદ શહેરમાં શુક્રવારની વહેલી સવારે જુદા-જુદા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારતા ૧થી પ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો બંધ પડી જતાં વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા. અનેક સ્થળોએ રોડ-રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તેમજ ‘ભૂવા’ પડી જતાં શહેર ‘ભૂવા નગરી’નું બિરૂદ્ધ પામ્યું હતું. જુહાપુરામાં ભૂવામાં ‘કાર’ ફસાઈ જવાનો પણ બનાવ સામે આવ્યો હતો. આમ માત્ર પાંચ ઈંચ વરસાદે શહેરને ધમરોળ્યું હતું ત્યારે વધુ વરસાદ પડશે તો શું થશે ? એવી ચિંતા શહેરીજનોમાં પ્રસરી હતી.