અમદાવાદ, તા.૧૭
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત બેટિંગ કરી રહેલા વરસાદે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, ઉના, કોડીનાર, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ વણસી રહી છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે જ્યારે અનેક ગામોનો સંપર્ક કપાયો છે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ જોતાં તંત્ર સાબદું થઈ ગયું છે.
રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. ધમાકેદાર વરસાદે સમગ્ર જનજીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યો છે. સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદી નાળા છલકાતાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક ભાગો બંધ થતા લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનારમાં સતત ૯ દિવસથી અવિરત વરસાદ જાણે કે બંધ થવાનું નામ જ નથી લેતો ગઈકાલે રાત્રે માત્ર ૧ર કલાકના ગાળામાં ૧ર ઈંચ ખાબકી જતાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે જ્યારે મંગળવારે દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧ર કલાકના ગાળામાં ૧ર ઈંચ અને માણાવદરમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર પંથકમાં ૭ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જિલ્લાના બે જળાશયો ઓવરફ્લો થયા છે જ્યારે વેરાવળમાં છેલ્લા ર૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા ૮૦ જેટલી સોસાયટીઓમાં કમરડૂળ પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. સતત વરસાદ ચાલુ રહેતા સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિનો ભય ઊભો થયો છે જ્યારે બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો સતત કાર્ય કરી રહી છે તેમજ અન્ય ટીમો પણ સ્ટેન્ડ ટુ રખાઈ છે.
રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૧૧પ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજિયનમાં પ૭.ર૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા.૧૭/૭/ર૦૧૮ને ૭.૦૦ કલાક સુધી રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઈંચથી વીસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.તો મંગળવારે દિવસ દરમિયાન રાજ્યના ૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં ખંભાળાપીમાં ૧ર ઈંચ, માણાવદરમાં અને વધઈમાં ૮ ઈંચ કુતિયાણા ગણદેવી અને જામજોધપુર અને કેશોદમાં પ ઈંચ જ્યારે પોરબંદર અને રાણાવાવમાં સાત ઈંચ ખાબક્યો છે. ગીર-સોમનાથ જિલ્લા ગીરગઢડામાં ૪૯૬ મીમી એટલે કે ર૦ ઈંચ, ઉના તાલુકામાં ૩પ૦ મીમી એટલે કે ૧૪ ઈંચ અને કોડીનાર તાલુકામાં ૩૩૦ મીમી એટલે કે ૧૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના જાફરાબાદ તાલુકામાં ર૮૪ મીમી, એટલે કે ૧૧ ઈંચ, સૂત્રાપાડામાં ર૪પ મીમી એટલે કે ૧૦ ઈંચ જેટલો, ધરમપુરમાં રરપ મીમી એટલે કે નવ ઈંચ, વલસાડમાં ર૧૭ મીમી, વઘઈમાં ર૦૦ મીમી, પારડીમાં ૧૯૮ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઈંચ, ખેરગામમાં ૧૯પ મીમી, રાજકોટમાં ૧૮૭ મીમી, રાજુલા અને તળાજામાં ૧૭પ મીમી, મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઈંચ, મહુવામાં ૧૬૮ મીમી, વેરાવળમાં ૧૪૯ મીમી મળી કુલ બે તાલુકામાં છ ઈંચ, ચોટીલામાં ૧૪૩ મીમી, કપરાડામાં ૧૩૪ મીમી અને મોરબીમાં ૧ર૮ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચ, કાલાવડમાં ૧ર૦ મીમી, ભરૂચમાં ૧૧ર મીમી, વાંકાનેરમાં ૧૧૦ મીમી, તાલાલા અને વાપીમાં ૧૦૬ મીમી, બોટાદમાં ૧૦ર મીમી, મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત વાંસદા તાલુકામાં ૯૭ મીમી, લોધીકા અને આણંદમાં ૯૬ મીમી, વાગરામાં ૯૩ મીમી, પડધરીમાં ૯૧ મીમી, ખાંભામાં ૯૦ મીમી, વડિયામાં ૮૮ મીમી, માંગરોળમાં ૮૭ મીમી, શિહોરમાં ૮૪ મીમી, વીંછિયામાં ૮૩ મીમી, ચીખલીમાં ૮ર મીમી, ગોંડલમાં ૮૦ મીમી, ઘોઘામાં ૭૯ મીમી, ભાવનગરમાં ૭૭ મીમી, ડોલવણમાં ૭૬ મીમી, બોટાદમાં ૧૦ર મીમી મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
જ્યારે દાંતા તાલુકામાં ૭ર મીમી, કોટડા-સાંગણીમાં ૭૦ મીમી, નવસારીમાં ૬૯ મીમી,

ઉ.દ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાંચ દિ’માં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ, તા.૧૭
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગના નિયામક ડો. જયંત સરકારે જણાવ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં જયંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દીવ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ, નવસારી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા તેમજ ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

૩પ૦૦ લોકોનું સ્થળાંતર ૧૮૦ ગામોમાં વીજળી ગુલ, ૧૮૪ રસ્તાઓ બંધ

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપતા રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે રાજ્યના ૩૨ જિલ્લાઓના ૨૦૬ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે. હાલ નેશનલ, સ્ટેટ અને પંચાયત હસ્તકના મળીને કુલ ૧૮૪ રસ્તાઓ બંધ છે. તો ૧૮૦ જેટલા ગામડાઓમાં વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને પાણી ઉતરતા જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ગુજરાતમાં હાલ એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત છે. જેમાંથી આઠ ટીમ સૌરાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવીછે. આઠમાંથી ચાર ટીમ ગીર-સોમનાથ જિલ્લામાં તેમજ એક ટીમ જૂનાગઢ, એક અમરેલી એક ભાવનગર અને એક રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, વાપી અને સુરતમાં એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહિસાગર અને અરવલ્લી અને ગાંધીનગર ખાતે એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. વડોદરામાં ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના ૧૨૮ ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મોરબીના ૧૨, જામનગરના ૧૨૬, પોરબંદરના, ૧૦, જૂનાગઢના ૪, ભાવનગરના ૩૪, અમરેલીના ૪૭ અને બોટાદના ૫ ગામનો સમાવેશ થાય છે. તો વરસાદને કારણે ૫૯૩ વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. રાહત કમિશ્નરના જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ ૨૦૩ મોટા ડેમમાંથી પાંચ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે ૬ ડેમ ૯૧થી ૯૯ ટકા સુધી ભરાઈ ગયા છે. જ્યારે ચાર ડેમ ૮૧થી ૯૦ ટકા સુધી ભરાઈ ગયા છે.