શાહેઆલમ દરગાહ

અમદાવાદ એરપોર્ટ

જુહાપુરા

 

મેઘરાજાએ હવે અમદાવાદનો વારો કાઢ્યો,

સ્માર્ટ સિટી ઘડીભરમાં કરી નાખ્યું તહસનહસ : રાજ્યના વિવિધ વિસ્તારોને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ અમદાવાદનો વારો લીધો હતો બુધવારની રાત્રિથી જ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયા હતા, એક જ રાતમાં પાંચથી નવ ઈંચ વરસાદે શહેરને  ટાપુમાં ફેરવી નાખ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોના ઘરોમાં બેથી સાત ફૂટ સુધી પાણી પ્રવેશી જતાં લોકોને ઘરવખરી છોડી જીવ બચાવવા સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. તો કેટલાક લોકોને ઘરોમાં ભરાયેલા ગંદા પાણીમાં જ રહેવાની ફરજ પડી હતી. તો બીમાર અને વૃદ્ધોની હાલત વધુ કફોડી બની હતી.  એ તો ઠીક શહેરને મેઘરાજાએ બરાબર બાનમાં લીધા હોય તેમ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ પાણી ફરી વળતાં વિમાનોને રોકી રાખવાની ફરજ પડી હતી. જ્યારે ઐતિહાસિક હઝરત શાહેઆલમ (રહ.)ની દરગાહના કમ્પાઉન્ડમાં પણ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જતાં મસ્જિદમાં જનારા નમાઝીઓ અને અકીદતમંદો અટવાઈ ગયા હતા.

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૭
અમદાવાદ શહેરમાં ગત શુક્રવારથી વરસાદના શરૂ થયેલા બીજા રાઉન્ડ દરમિયાન બુધવારે રાત્રીના સુમારથી શહેરમાં શરૂ થયેલા અનરાધાર વરસાદે રીતસરની સમગ્ર શહેરમાં તબાહી મચાવી દીધી છે. ૧૨ કલાકમાં સરેરાશ પડેલા ૧૦ ઈંચ જેટલા વરસાદે શહેરમાં ચોતરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કરી દેતા પૂર્વ-પશ્ચિમ હોય કે પછી ઉત્તર કે દક્ષિણ તમામ ઝોનમાં પાણી-પાણી થઈ ગયું હતું. શહેરમાં ૨૫૦ થી પણ વધુ સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.શહેરના તમામ અંડરપાસ સવારે ભારે વરસાદને પગલે બંધ કરવામાં આવ્યા બાદ બપોર બાદ તેમાં રહેલા પાણીનો પંપ દ્વારા નીકાલ કરીને ફરી શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં એક રાતમાં જ છ ઈંચથી વધુ વરસાદ ખાબકી પડતા પૂર્વનો વટવા વિસ્તાર હોય કે દક્ષિણમાં મણીનગર કે પછી પશ્ચિમમાં પાલડી કે વેજલપુર તમામ વિસ્તારોમાં પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરના તમામ માર્ગો ઉપર પાણી ફરી વળતા લોકોને ઘરોમાંથી નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ હતુ એક તબકકે એમ લાગતુ હતુ કે જો શહેરમાં વરસાદ નહી રોકાય તો એનડીઆરએફ કે અન્ય દળોની મદદ સ્થિતિને કંટ્રોલ કરવા લેવી પડશે પરંતુ વરસાદે વિરામ લેતા સ્થિતિ ક્રમશ થાળે પડવાની શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ ભારે વરસાદને પગલે શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.મ્યુનિ.હસ્તકની શાળાઓ માં ૩૦ જુલાઈ સુધી રજા જાહેર કરવામાં આવી હતી.શહેરમાં ભારે વરસાદને પગલે એએમટીએસ, બીઆરટીએસની બસો રસ્તામાં ફસાઈ જતા બસ સેવાને પણ અસર પહોંચવા પામી હતી. શહેરમાં બાર કલાકમાં મકાન ધરાશયી બનવાના સાતથી પણ વધુ બનાવ બનવા પામ્યા હતા.જો કે સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.અમદાવાદ નજીક આવેલા વાંચ અને ચોસર ખાતે રેસ્કયુ ઓપરેશન માટે અમદાવાદ ફાયરબ્રિગેડની બે-બે બોટ મોકલવામાં આવી હતી. શહેરમાં શોર્ટ સરકીટના પણ સાતથી વધુ બનાવ બનવા પામ્યા હતા.જોકે કોઈને જાનહાની કે ઈજા થવા પામી નથી. અમદાવાદ શહેરમાં ગતરાતથી ભારે વરસાદની શરૂઆત થઈ હતી.જેમાં રાત્રીના ૧થી સવારના પાંચ સુધીમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબકી પડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. શહેરના તમામ વિસ્તારોમાં એક તરફ ઉપરથી પડી રહેલો અનરાધાર વરસાદ અને બીજી તરફ નીચે વહી રહેલા પાંચથી છ ફૂટ પાણીના કારણે ચો તરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતુ. શહેરના ચકુડીયા, ઓઢવ , ટાગોર કંટ્રોલ, વેજલપુર, દાણીપીઠ ,દુધેશ્વર, મેમ્કો, નરોડા, સરદારનગર, કુબેરનગર વટવા સહીતના ૨૫૦થી પણ વધુ સ્થળોએ અને લોકોના ઘર તેમજ સોસાયટીઓમાં પાણી ફરી વળતા મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો. આ પરિિસ્થિતિમાં શહેરમાં આવેલા મીઠાખળી, અખબારનગર તેમજ દક્ષિણી અંડરપાસને સત્તાવાળાઓ દ્વારા સવારે અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. બપોર બાદ તે ખોલાયી હતા. બીજી તરફ વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૨૮.૭૫ ફુટ પર પહોંચતા ૨૫ જેટલા દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ પણ ઓવરફલો થવાની તૈયારીમાં લાગતા પાણી ઉલેચવા પંપ મુકવામાં આવ્યા હતા. રાત્રીથી સવારે પાંચના ગાળામાં શહેરમાં સૌથી વધુ વરસાદ ચકુડીયા ખાતે ૧૧૦ મી.મી, ઓઢવમાં ૧૧૬ મી.મી, વિરાટનગરમાં ૧૨૦ મી.મી, વેજલપુરમાં ૧૨૦ મી.મી, દાણાપીઠમાં ૧૧૦ મીલીમીટર, મેમ્કોમાં ૧૧૦મી.મી, મણીનગરમાં ૧૩૬ મી.મી અને વટવા ખાતે ૧૬૦ મી.મી.વરસાદ ખાબકી પડતા આખુ અમદાવાદ શહેર બેટમાં ફેરવાઈ ગયેલુ નજરે પડતુ હતુ. આજે શહેરમાં ભારે વરસાદને પગલે જનજીવન ઉપર તેની ભારે અસર જોવા મળી હતી. શહેરમાં સરેરાશ ૮૫૨.૧૩ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.