અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સાંજના સુમારે ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.શહેરમાં સાંજના સુમારે પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણઝોનમાં ૨૮.૨૫ મી.મી. વરસાદ થવા પામ્યો હતો.શહેરમાં મોસમનો અત્યાર સુધીમાં વરસાદ ૧૭૮.૮૫ મીલીમીટર થવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં ગત સોમવારના રોજ બપોરે બેથી ચાર દરમિયાન પડેલા ૩.૫ ઈંચ વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ગત બે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા શહેરમાં ઉઘાડ નીકળ્યો હતો.બીજી તરફ બે દિવસના વિરામ બાદ આજે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવવા પામ્યો હતો.જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા પાલડી વિસ્તારના ટાગોર કંટ્રોલરૂમ સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર અમદાવાદ શહેરમાં બપોરના સુમારે પડેલા વરસાદને પગલે દક્ષિણ ઝોનના બે વિસ્તારોમાં,મધ્યઝોનમાં એક અને નવા પશ્ચિમઝોનના એક વિસ્તાર એમ કુલ મળીને ચાર વિસ્તારોમાં પાણી ભરાવવાની ફરિયાદ મળતા પંપની મદદથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સાથે જ શહેરના પીપળજ અને પિરાણા ખાતે બે વૃક્ષો ધરાશયી બનવા પામ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, દીવ દમણ, દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાઓએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન ફરીવાર ગરમીનો અનુભવ થયા બાદ સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે અમદાવાદના જે વિસ્તારમાં સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા તેમાં શાહીબાગ, નારણપુરા, પ્રહલાદનગર, ઉસ્માનપુરા, સરદારનગર, કુબેરનગર, નરોડાનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનની વાતકરવામાં આવે તો દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, સોમવારના દિવસે અમદાવાદ શહેરમાં સરેરાશ વરસાદ છ ઇંચથી વધુ નોંધાયો છે. મધ્ય ઝોનમાં ૧૮૬.૨૫ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

ઝોનવાઇઝ વરસાદ…..

ઝોન આજનો વરસાદ(મીમી)
પૂર્વ ૧૦.૧૩
પશ્ચિમ ૫.૫
ન.પશ્ચિમ ૬.૩૩
મધ્ય ૧૦.૦૫
ઉત્તર ૨.૭૭
દક્ષિણ ૨૮.૨૫
સરેરાશ ૧૦.૫૪