અમદાવાદ, તા.૧૮
લાંબા વિરામ બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના ર૦૦થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થતા અનેક જગ્યાએ મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. જેને લીધે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો- પ્રેશર સક્રિય છે. જ્યારે રાજસ્થાનમાં પણ નવું લો-પ્રેશર સર્જાતાં આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાંં આવી છે જેને પગલે તંત્ર સાબદુ બન્યું છે.
દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો-પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે અને હાલમાં ઉત્તર- પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર તથા પૂર્વીય રાજસ્થાન ઉપર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ દાદરાનગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, સુરત, ભરૂચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ૨૪ કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે. આ અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ શહેર સહિત ગુજરાતના ઘણાખરા ભાગોમાં હજુ બેથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તા.૧૭મી ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ, એકંદરે વરસાદ નોંધાયો હતો. તો, તા.૧૮મી ઓગસ્ટે ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ જ પ્રકારે તા.૧૯મી ઓગસ્ટે અમદાવાદ, ગાંધનીગર, પાટણ, મહેસાણા, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, તેમજ ભાવનગર અને અમરેલીના કેટલાક સ્થળો અને ગીર-સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્ર સાબદુ બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ હતી અને વહીવટી તંત્રને સાબદુ કરાયું છે.