Ahmedabad

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ : આગામી ૪૮ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની વકી

અમદાવાદ, તા.ર૯
રાજ્ય પર સક્રિય થયેલ અપર એર સાઈકલોનિક સરકયુલેશનને પગલે આગામી બે દિવસ અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ત્યારે બુધવારના રોજ રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે. ગુજરાત પર સક્રિય થયેલા અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશનથી આગામી ૪૮ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. એમાંય નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે દક્ષિણ ગુજરાત પર અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત થયું છે. આથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે. મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે, બાયડ, પંચમહાલમાં અનેક સ્થળોએ ખાસ કરીને ગોધરા, કાલોલ, શહેરા, ઉપરાંત મેઘરજ, પ્રાંતિજ, ઝાલોદ, સાબરકાંઠામાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત પાટણ, વારાહી, રાધનપુર, સિદ્ધપુર તેમજ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે. વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે રાજ્યમાં વરસાદી વિસ્તારોમાં અનેક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સતત હાથ-તાળી આપી જતો વરસાદ આ વખતે હવામાન વિભાગની આગાહી પર થોડા ઘણા અંશે ખરો ઉતરતા લોકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે જ્યારે ખેતી માટે જરૂરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે બીજી તરફ જોઈએ તેવું ચોમાસુ હજુ પણ જામ્યું નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પર વરસાદ બરાબર ખરો ઉતરે તેવી આશાઓ લોકો રાખી રહ્યા છે.