(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૦
ગુજરાતમાં ગરમી અને ઉકળાટથી અકળાઈ ઉઠેલા અને પાક સુકાઈ જવાની ભીંતિએ આંસુ સારી રહેલા ધરતીપુત્રો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી તા.ર૧થી રપ જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના તાલુકા, જિલ્લાના લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે, વરસાદ ક્યારે થશે. ત્યારે હવામાન વિભાગ એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ૨૧થી ૨૫ તારીખ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ૨૧, ૨૨ તારીખે ગાજવીજ સાથે વરસાદ આવે તેવી સંભાવના છે. જ્યારે ૨૪-૨૫ તારીખે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચુક્યું છે. જેથી આગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
વરસાદે લાંબો વિરામ લેતા લોકો ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. કેટલીક જગ્યાએ ખેડૂતો વાવણી કરી ચુક્યા છે, તો કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, અને નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે.
ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતા પંથકમાં મેઘરાજાએ મહેરબાની વરસાવી છે. દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોએ વરસાદ ચાલુ થતા રાહતનો શ્વાસ લીધો છે. ભારે ગરમી અને ઉકળાટમાં આંશિક રાહત મળી છે. દાંતા પંથકમાં બપોર બાદથી વરસાદ શરૂ થયો છે.
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, રાજકોટ, અમરેલીના ધારી સહિતના વિસ્તારમાંથી પણ વાદળછાયા વાતાવરણ અને વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદના ગઢડામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ગઢડામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સમગ્ર બોટાદ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. લાંબા સમય બાદ ધીમી ધારે વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. આ બાજુ અમરેલીના ધારીના સુખપુરમાં પણ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગીરના જંગલો અને ધારીના સુખપુરમાં સારો વરસાદ પડી રહ્યો છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધમાકેદાર વરસાદ ચાલુ થયો છે. ડાંગ જીલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે.
મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર પંથકમાં ૧૫ દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છોટા ઉદેપુરના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ૧૫ દિવસથી વરસાદે વિરામ લેતા ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હતા, તેવા સમયે અચાનક વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં અનેરી ખુશી છવાઈ છે.