અમદાવાદ, તા.રપ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર ઈનિંગ બાદ મેઘરાજાએ રાજ્યભરમાં જાણે કે વિરામ લીધો હોય તેમ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી ર૪ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ આગામી દિવસોમાં બીજી ઈનિંગ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત મહિસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ અને ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થશે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં હવામાન વિભાગના નિયામક ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું જ્યારે રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ કારણોસર અત્યાર સુધીમાં કુલ ૪૫ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે રૂા. ૧૦૮ લાખની રકમ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૩૨૪ પશુમૃત્યુના કિસ્સામાં રૂા. ૨૫ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ભારે વરસાદવાળા પાંચ તાલુકાઓમાં ૮,૪૩૫ વ્યક્તિઓને કેશડોલ પેટે રૂા. ૯ લાખથી વધુની સહાય, ૫૬૨ વ્યક્તિઓને ઘરવખરી પેટે રૂા.૬ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે અંશતઃ નાશ પામેલ કાચા મકાન માટે ૧૯૫ કેસમાં રૂા. ૯ લાખથી વધુ, અંશતઃ નાશ પામેલ પાકા મકાન માટે ૬૩ કેસમાં રૂા. ૪ લાખથી વધુ, ૩૪ કેસમાં ઝૂંપડા સહાય માટે રૂપિયા એક લાખથી વધુ, સંપૂર્ણ નાશ પામેલ કાચા મકાન માટે ૩૪ કેસમાં રૂા.૫ લાખથી વધુ, સંપૂર્ણ નાશ પામેલ પાકા મકાનના ૩ કેસમાં રૂપિયા ૧,૫૩,૦૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા દ્ગડ્ઢઇહ્લની કુલ-૨૦ ટીમને એલર્ટ કરાઇ છે. રાજ્યના તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. હાલમાં રાજ્યમાં એક નેશનલ હાઇવે, એક સ્ટેટ હાઇવે અને ૨૫ જિલ્લા-સ્થાનિક માર્ગો બંધ છે જેને શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.