અમદાવાદ, તા.૧પ
છેલ્લા ઘણા સમયથી લોકો જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મેઘરાજાનું આગમન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થઈ ચૂક્યું છે અને શુક્રવારના રોજ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણી જગ્યાઓએ વરસાદી ઝાપટા પણ વરસ્યા છે. ગીર, સોમનાથ, વેરાવળ અને તાલાલામાં તથા અમરેલીમાં વરસાદ વહેલી સવારથી વરસ્યો છે અને રાજ્યમાં ૩૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાયો હતો. દરિયામાં પવનની ગતિ અને લહેરની ગતિ વધવાથી ખૂબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેની આગામી ૪૮ કલાક દરમ્યાન દરિયામાં માછીમારોને ન જવાની સુચના અપાઈ છે અને આગામી સમયમાં વરસાદ પડી શકે છે. શુક્રવારના રોજ સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દિવસભર વરસાદી વાતાવરણ સવારથી જ છવાયું હતું. ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, અરવલ્લી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને રાજ્યનાં ઘણાં પથકમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે અને જે વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ત્યાં ગમે ત્યારે વરસાદ ખાબકી શકે છે. તેથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદના આગમનને લઈ ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી ચૂકી છે. તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત માટે આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી માછીમારોને આગામી ર૪ કલાક દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો આનંદીત થયા છે અને ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કરી દીધો છે. હાલ ખેડૂતોએ ખેતરોમાં કપાસ રોપી વાવણીનો આરંભ કરી દીધો છે.