અમદાવાદ, તા.૯
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૩૩ તાલુકામાં મેઘમહેર જારી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બે દિવસમાં ભારે વરસાદની આગાહી હતી પરંતુ નવી આગાહી મુજબ હવે આગામી પાંચ દિવસ સુધી નહિવત વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૪ મિ.મી. એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે ૮ તાલુકાઓમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૪ કલાક દરમિયાન ૩૩ તાલુકાઓમાં ઝાપટાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૬૪ મિ.મી, આહવા તાલુકામાં ૩૦ મિ.મી, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મિ.મી. અને તાપી જિલ્લાનાં વ્યારામાં ૧૬ મિ.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ડેડીયાપાડા, વાલોદ, ચિખલી અને ધરમપુરમાં ૧૧ મિ.મી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પહેલાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે હવે વરસાદને લઇને માઠા સમાચાર સામે આવ્યા છે. વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં નહીવત વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ પડી શકે છે.