અમદાવાદ, તા.૨૫
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આજથી શહેરના ગાંધીરોડ ઉપર બાલાહનુમાન એકસપ્રેસ બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.આ બસ લાલદરવાજાથી ઉપડી ગાંધીરોડ થઈ લાલદરવાજા પહોંચશે જેમાં મુસાફરો મફત મુસાફરી કરી શકશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આજે શહેરના લાલ દરવાજા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બાલાહનુમાન એકસપ્રેસ બસસેવાનો આરંભ કરાવવામાં આવ્યો હતો.મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શરૂ કરવામા આવેલી આ સેવામાં હાલ કુલ ચાર જેટલી બસ રોડ ઉપર મુકવામા આવી છે.મુસાફરોને દર દસ મિનીટે બસ મળી રહે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યુ છે.એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે સહીત અન્યોની હાજરીમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમ બાદ ચેરમેન ચંદ્રપ્રકાશ દવેએ માહિતી આપતા જણાવ્યુ કે,રૂટ નંબર-ત્રણ તરીકે શરૂ કરવામા આવેલી આ બસ લાલદરવાજાથી શરૂ થઈ ભદ્ર,ત્રણદરવાજા થઈ ગાંધીરોડથી સારંગપુર થઈ આસ્ટોડિયાથી ટીળકબાગ થઈને લાલ દરવાજા પહોંચશે.જેમાં મુસાફરો મફત બસસેવાની મજા માણી શકશે.દર દસ મિનીટે એક બસ મુસાફરોને મળી રહે એ પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે.અમદાવાદ શહેરના હાર્દસમાન એવા ગાંધીરોડ ઉપર વર્ષો બાદ ફરી બસસેવા શરૂ કરવામા આવી આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.